February 23, 2025

જૂનાગઢ: ભવનાથ મંદિરે ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ

સાગર ઠાકર, જૂનાગઢ: ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ સાથે વિધિવત રીતે મહાશિવરાત્રી મેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. હર હર મહાદેવના નાદ અને જય ગિરનારીના જયઘોષ સાથે વિધિવત ધ્વજારોહણમાં મોટી સંખ્યામાં સાધુ સંતો, ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.

આદ્યાત્મિક અને પૌરાણિક દ્રષ્ટિએ મહત્વના આ મેળાના સુચારું આયોજન અને સંચાલન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. અલગ અલગ પ્રકારની કુલ 13 જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે, જેમાં મુખ્ય સંકલન સમિતિ, મેળા સ્થળ આયોજન સમિતિ, જાહેર સલામતી તથા ટ્રાફિક નિયંત્રણ અને નિયમન સમિતિ,પાણી પુરવઠાની વ્યવસ્થા, સાફ સફાઇ અને કચરાના વ્યવસ્થાપન માટેની વ્યવસ્થા, વીજળી અને ધ્વનિની વ્યવસ્થા સહિતની સમિતિઓનો સમાવેશ થાય છે. ઉપરાંત કડક પોલીસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ મેળામાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે. પાર્કિંગ વ્યવસ્થા, સાફ સફાઈ સહિતની વ્યવસ્થાઓ, મોબાઈલ ટોયલેટની વ્યવસ્થા, મેડિકલ તથા એમ્બ્યુલન્સ સેવા, ફાયર ફાઇટર તથા બચાવ ટુકડીઓ સહિતની વ્યવસ્થાઓ થકી મેળામાં આવતા લાખો ભાવિક ભક્તોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેની વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. કડક પોલીસ સુરક્ષા વ્યવસ્થા સાથે આ મેળો યોજાઈ રહ્યો છે.

અખાડા પરિષદના સંરક્ષક અને ભવનાથ મહાદેવ મંદિરના મહંત હરિગિરીજી, ઈન્દ્રભારતી બાપુ, મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુ, અગ્નિ અખાડાના અધ્યક્ષ મુક્તાનંદ બાપુ સહિતના સાધુસંતો, જીલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયા, ઈન્ચાર્જ એસપી ભગીરથસિંહ જાડેજા, અધિક નિવાસી કલેકટર એમ.એફ. ચૌધરી, કમિશનર ડો. ઓમ પ્રકાશ, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ સહીતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.