September 25, 2024

રાજ્યમાં પહેલું પશુઓનું સ્મશાન જૂનાગઢમાં, મૃતદેહનો કરવામાં આવે છે વિધિવત્ અંતિમસંસ્કાર

સાગર ઠાકર, જૂનાગઢઃ કોઈ માણસનું અવસાન થતાં હિન્દુ વિધિ અનુસાર સ્મશાનમાં તેનો અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. હવે જૂનાગઢમાં પ્રાણીઓના મૃતદેહનો પણ અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. રાજ્યમાં સૌપ્રથમ જૂનાગઢમાં પ્રાણીઓના મૃતદેહનો અગ્નિસંસ્કારથી નિકાલ કરવામાં આવે છે. જૂનાગઢ મનપા રાજ્યની પ્રથમ એવી મહાનગરપાલિકા બની છે જ્યાં પશુઓ માટેનું સ્મશાન કાર્યરત થયું છે. છેલ્લા એક મહિનાથી જૂનાગઢમાં પશુઓ માટેનું સ્મશાન કાર્યરત થયું છે. જૂનાગઢ મનપાનું અનુકરણ કરી હવે ગાંધીનગર અને જામનગર મહાનગરપાલિકા એ પણ આ અંગે ટેન્ડર બહાર પાડ્યા છે.

વર્ષ 2013માં ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામે મૃત પશુઓ ઉપાડવા મામલે જ મારકૂટ થઈ હતી. જેના સમગ્ર દેશમાં પડઘા પડ્યા હતા. ત્યારે જૂનાગઢના એક નાગરિકે વડાપ્રધાનને પત્ર લખીને ભવિષ્યમાં મૃત પશુઓ ઉપાડવા મામલે કોઈ ઘટના ન બને સામાજિક સમરસતા જળવાઈ રહે તે માટે પશુઓના સ્મશાન માટે જોગવાઇ કરવા રજૂઆત કરી હતી. જેને પગલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પશુપાલન વિભાગે જૂનાગઢ મનપાને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

જૂનાગઢ મનપા દ્વારા આ બાબતને બજેટમાં સમાવીને તેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હવે રાજ્યની પ્રથમ પશુઓ માટેની સ્મશાન ભઠ્ઠી કાર્યરત થઈ છે. કુલ બે કરોડના ખર્ચે ઈવનગર નજીકની મનપાની ડમ્પિંગ સાઈટ ખાતે આ ભઠ્ઠી છેલ્લા એક મહિનાથી કાર્યરત છે. દરરોજ સરેરાશ 6 મૃત પશુઓના મૃતદેહનો અહીં નિકાલ કરવામાં આવે છે. ગેસથી ચાલતી આ ભઠ્ઠી માટે મનપાને એક પશુ દીઠ ત્રણ હજાર રૂપિયાનો ખર્ચ આવે છે. હાલ એલપીજી ગેસ વાપરવામાં આવે છે. પરંતુ આગામી સમયમાં ડમ્પિંગ સાઈટ ખાતેનો ગેસ પ્લાન્ટ કાર્યરત થઈ જતાં ત્યાંથી જ ગેસ સપ્લાય થશે અને મનપાને ગેસના ખર્ચમાં રાહત થશે.

અગાઉ ડમ્પિંગ સાઈટમાં જમીનમાં ખાડો કરીને તેમાં મૃત પશુઓના મૃતદેહને નમક નાખીને નિકાલ કરવામાં આવતો હતો. તેને લઈને ઘણી વખત દુર્ગંધ આવતી હતી અને રોગચાળાની ભીતી રહેતી હતી. તો કેટલીક વાર ભુંડ જેવા પ્રાણીઓ મૃત પશુઓના મૃતદેહ જમીનમાંથી ખોદીને ખાતા હતા અને લોકોની ધાર્મિક લાગણી દુભાતી હતી. ત્યારે હવે આ તમામ સમસ્યાનો અંત આવ્યો છે અને મૃત પશુઓના મૃતદેહનો સાઈન્ટિફિક રીતે નિકાલ થાય તે માટેની વ્યવસ્થા જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. જૂનાગઢ મહાનગરપાલિકાનું અનુકરણ કરીને ગાંધીનગર અને જામનગર મહાનગરપાલિકાએ પણ આ અંગે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. આગામી સમયમાં આ મહાનગરોમાં પણ મૃત પશુઓના મૃતદેહના નિકાલ માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.