November 24, 2024

Junagadhના ખેડૂત પિતા-પુત્રની અનોખી સિદ્ધિ, વિદેશમાં મોકલે છે Ambaniની કલમ

સાગર ઠાકર, જૂનાગઢઃ હાલ સર્વત્ર કેરીની મોસમ ચાલી રહી છે. ત્યારે જૂનાગઢના રતાંગ ગામે કેરી નહીં પરંતુ કેરીની કલમની મોસમ ખીલી હોય તેવું લાગી રહ્યું છે. રતાંગ ગામે રહેતા બાગાયત ખેડૂત પિતા-પુત્રની જોડીએ કેરીની કલમમાં અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. માત્ર 12 ધોરણ પાસ બાગાયત ખેડૂત પિતાએ આંબાની કલમમાં એવો તે કસબ અજમાવ્યો કે બીએસસી થયેલા તેમના પુત્રએ નોકરીને બદલે બાગાયત ખેતીને અપનાવી છે. પિતા પુત્રની આ જોડીએ ઉત્તમ ગુણવત્તાની કેરી માટે આંબાની કલમો બનાવીને અત્યાર સુધીમાં એક લાખ કલમોનું વેચાણ પણ કર્યું છે. આ બાગાયત ખેડૂતને કેરીની ઉત્તમ ગુણવત્તા માટે ભારત સરકારનો એવોર્ડ મળી ચૂક્યો છે અને કેરીની કલમોની નિકાસ માટે ગુજરાત સરકારનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે. ઉત્તમ કેરી માટે ઉત્તમ આંબા તૈયાર કરવાના લક્ષ્ય સાથે આ બાગાયત ખેડૂત પિતા પુત્રએ પોતાના જીવનમાં કેરી જેવી મીઠી સોડમ પોતાના જીવનમાં પ્રસરાવી છે.

જૂનાગઢ જીલ્લાના વિસાવદર તાલુકાના રતાંગ ગામનો કેરી સાથે અનોખો નાતો રહ્યો છે. રતાંગ ગામે રહેતા સંજયભાઈ વેકરીયાએ 12 ધોરણ પાસ કરીને નોકરી ધંધાની શોધ કરવાને બદલે તેમના પિતા છગનભાઈ મોહનભાઈ વેકરીયાનો પરંપરાગત બાગાયત ખેતીનો વ્યવસાય પસંદ કર્યો અને આગળ અભ્યાસ કરવાને બદલે બાગાયત ખેતીને વ્યવસાય તરીકે અપનાવી લીધી. તે સમયે વર્ષ 1998માં તેમના બગીચામાં માત્ર 300 આંબા હતા, જેનું વર્ષમાં એક વખત કેરીનો ફાલ આવે ત્યારે વેચાણ કરીને આવક મેળવતા હતા. તેમના બગીચાની કેસર કેરી સારી ગુણવત્તાની હતી પરંતુ આંબામાંથી માત્ર કેરીની આવક થાય તેના કરતાં પણ તેની કલમો તૈયાર કરીને વધુ સારા આંબા તૈયાર થાય તો વધુ સારી કેરીનું ઉત્પાદન મેળવી શકાય તેવા વિચાર સાથે વર્ષમાં 500 ઉત્તમ ગુણવત્તાના આંબાની કલમો તૈયાર કરવાના ધ્યેય સાથે તેમની વિકાસયાત્રા શરૂ થઈ હતી.

આ પણ વાંચોઃ અમૂલ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો લાગુ, જાણો કઈ પ્રોડક્ટનો કેટલો ભાવ

કહેવાય છે કે સફળતાનું રહસ્ય પરીશ્રમ છે અને સંજયભાઈએ બાગાયત ક્ષેત્રે શરૂ કરેલી યાત્રાએ સફળતાના શિખર સર કરાવ્યા છે. તેમના પરિશ્રમના પરિણામે આજે તેમની સુમિત બાગ એન્ડ નર્સરીમાં 72 વિઘામાં 5000 ઉત્પાદન આપતા આંબા છે. આંબાની કલમ બનાવવા માટે 28 હજાર જેટલા માતૃછોડ ઉપલબ્ધ છે. સંજયભાઈના બગીચામાં ન માત્ર કેસર કેરી પરંતુ અલગ અલગ 78 જાતની કેરીના આંબા છે. જેમાં ઓસ્ટીન, મીયાઝાકી, બનાના મેંગો, બ્લેક મેંગો જેવી એક્ઝોટીક વેરાયટી પણ ઉપલબ્ધ છે. આમ 300 આંબાથી શરૂ થયેલી સંજયભાઈની યાત્રા આજે 5000 આંબાએ પહોંચી છે. જેમાં હવે તેમનો પુત્ર સુમિત પણ જોડાયો છે. સુમિતે બીએસસી ફુડ ટેકનોલોજીનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ પૂરો થતાં જ નોકરીની ઓફર મળી પરંતુ સુમિતે નોકરીને બદલે પોતાની વારસાગત બાગાયત ખેતીને પસંદ કરી અને તેને જ પોતાનો વ્યવસાય બનાવ્યો છે.

સંજયભાઈએ કેરીના ગુણવત્તા સભર ઉત્પાદન માટે ઉચ્ચ ગુણવત્તાની કલમો તૈયાર કરવા માટે વર્ષ 2003માં પુના અને વર્ષ 2005માં લખનૌમાં ખાસ તાલીમ લીધી અને ઈઝરાયલની પ્રુનીંગ ટેકનોલોજીથી બાગાયતી ખેતી શરૂ કરી હતી. જેમાં ઘનીષ્ઠ વાવેતર અને પ્રુનીંગ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં આંબાની ડાળીઓ કાપીને તેની કલમો તૈયાર થાય છે. વધારાના મોર ખેરવી નાખવામાં આવે છે. આ પદ્ધતિમાં દવા, ખાતર અને મજૂરી ખર્ચ ઓછો આવે છે. પવન કે વાવાઝોડાની અસર થતી નથી અને ફળ ખરી જવાનું કે બગડવાનું પ્રમાણ નહીંવત થઈ જાય છે અને ગુણવત્તા સારી મળે છે. જે ફળ નિકાસમાં જાય છે તેમાં ફળના કદને બદલે તેની ગુણવત્તા જોવામાં આવે છે. આમ ગુણવત્તા સાથેની કેરીના ઉત્પાદન માટે આ પદ્ધતિ આશિર્વાદરૂપ સાબિત થાય છે. ગુજરાતમાં સૌપ્રથમ આ ટેકનોલોજીની શરૂઆત રીલાયન્સ કંપનીએ કરી હતી અને ત્યારબાદ હવે ઘણાં બાગાયત ખેડૂતોએ આ પદ્ધતિ અપનાવી છે જેમાં રતાંગ ગામના સંજયભાઈ વેકરીયાને પણ સફળતા હાંસલ થઈ છે.

પરંપરાગત પદ્ધતિ

  • 40 × 40 ફૂટના અંતરે વાવેતર
  • વૃક્ષની ઊંચાઈ 50થી 60 ફૂટ
  • એક વીઘે 20 વૃક્ષ
  • ઉત્પાદન 400 કિલો પ્રતિ વૃક્ષ
  • એક વીઘે કુલ 8000 કિલોનું ઉત્પાદન
  • ભાવ 50 રૂપિયા પ્રતિ કિલો
  • એક વીઘે કુલ આવક 4,00,000

ઈઝરાયલ પદ્ધતિ

  • 5 × 10 ફૂટના અંતરે વાવેતર (ઘનીષ્ઠ વાવેતર)
  • વૃક્ષની ઊંચાઈ 6થી 7 ફૂટ
  • એક વીઘે 350 વૃક્ષ
  • ઉત્પાદન 10 કિલો પ્રતિ વૃક્ષ
  • એક વીઘે કુલ 3500 કિલોનું ઉત્પાદન
  • ભાવ 150 રૂપિયા પ્રતિ કિલો
  • એક વીઘે કુલ આવક 5,25,000

આમ પરંપરાગત પદ્ધતિને બદલે ઈઝરાયલ પદ્ધતિ અપનાવવાથી વાવેતરનો વિસ્તાર વધે છે તેથી જમીનનો પૂરો ઉપયોગ થાય છે. વૃક્ષની ઉંચાઈ ઓછી હોવાથી દવા, ખાતર અને મજૂરી ખર્ચ ઘટે છે. ઉત્પાદન ઓછું પરંતુ ગુણવત્તાને લઈને તેના ભાવ વધુ મળે છે પરિણામે નવી ઈઝરાયલ પદ્ધતિમાં અંદાજે સવા લાખ રૂપિયા વધુ મળે છે.

કેરીના પાકમાં વાવેતરના પ્રથમ વર્ષથી જ ફળ આવવાનું શરૂ થાય છે. પરંતુ પ્રથમ બે વર્ષ તેને ફ્લાવરીંગ અવસ્થાએ જ ખેરવી નાખવામાં આવે છે અને ત્રીજા વર્ષથી તેમાં ફાલ લેવામાં આવે છે, જે ઉચ્ચ ગુણવત્તાનો ફાલ આવે છે. સંજયભાઈ સ્પષ્ટપણે માને છે કે, ઉત્તમ કેરી માટે ઉત્તમ આંબા હોવા જરૂરી છે, નિકાસલક્ષી કેરીના ઉત્પાદન માટે સારી જાતની કલમો તૈયાર કરવામાં આવે તો જ ઉત્તમ ગુણવત્તાની કેરીનું ઉત્પાદન મળી શકે અને તેની નિકાસ કરીને ખેડૂતોની આવકમાં વધારો કરી શકાય છે. તેથી જ તેઓ કેરીના બદલે આંબાની કલમોના ઉત્પાદનને કેન્દ્રમાં રાખી કામ કરે છે, બગીચાની કેસર કેરીની ગુણવત્તા જોઈને જ તેમને આંબાની કલમો તૈયાર કરવાનો વિચાર આવ્યો હતો. ઉચ્ચ ગુણવત્તાની કેરી તૈયાર કરી જેના માટે વર્ષ 2003માં તેને કેસર કેરીની શ્રેષ્ઠ ગુણવત્તા માટે સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું અને ભારત સરકાર તરફથી તેને કેસર કેરીની ઉચ્ચ ગુણવત્તાનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

કેરીની સાથેસાથે આંબાની કલમોની જબરી માગ છે અને ગુજરાતમાં કે દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ સંજયભાઈએ તૈયાર કરેલી આંબાની કલમોની માગ છે. તેમણે ઈથિયોપિયા, મડાગાસ્કર અને અમેરીકાના ફ્લોરીડામાં આંબાની કલમોની નિકાસ કરી છે અને ત્યાં પણ સફળ ઉત્પાદન મળી રહ્યું છે. તેથી જ સંજયભાઈને કેસર કેરીની કલમોની કરેલી નિકાસ માટે ગુજરાત સરકારે ઉદ્યોગરત્ન એવોર્ડ આપ્યો છે અને છેલ્લે વર્ષ 2017માં તેમને કૃષિરત્ન એવોર્ડ પણ મળ્યો છે. અત્યાર સુધીમાં તેઓ એક લાખ આંબાની કલમોનું વેચાણ કરી ચૂક્યા છે. સંજયભાઈની સફળતાને કારણે આજે વિદેશમાંથી પણ બાગાયત ખેડૂતો-સંશોધકો તેમના ફાર્મની મુલાકાતે આવે છે. કેસર તથા અમૃતાંગ જેવી કેરી માટે માર્ગદર્શન અને વિચાર વિમર્શ કરે છે. તેના પરિણામે આગામી સમયમાં સારી ગુણવત્તા ધરાવતાં આંબા તૈયાર કરવામાં આવશે.

કેસર કેરીનું ઉત્પાદન વધે, કેસર કેરીનો વ્યાપ વધે અને કેસર કેરીની નિકાસ વધે તેના માટે સંજયભાઈ ઉચ્ચ ગુણવત્તાની કેસર કેરીની કલમોનું ઉત્પાદન કરી રહ્યા છે. કોઠાસૂઝ અને આધુનિક ખેતી પદ્ધતિના સમન્વયથી સંજયભાઈએ જે સિદ્ધિ હાંસલ કરી છે તે પદ્ધતિ અન્ય બાગાયતી ખેડૂતો અપનાવે તો ખેડૂતોની આવક નિશ્ચિતપણે બમણી કરી શકાય તેમ છે.