November 21, 2024

‘જ્યાં સુધી ભાજપનો એક પણ ધારાસભ્ય છે ત્યાં સુધી અમે મુસ્લિમોને અનામત નહીં આપવા દઈએ’

Jharkhand Assembly Election 2024: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઝારખંડમાં JMMની આગેવાની હેઠળના ગઠબંધન પર કથિત ભ્રષ્ટાચાર અને કોલસાની દાણચોરીનો આરોપ લગાવ્યો હતો. આ સાથે શાહે મતદારોને ભ્રષ્ટ નેતાઓને પાઠ ભણાવવા માટે ભાજપના હાથ મજબૂત કરવા અનુરોધ કર્યો હતો. શાહે એ પણ જાહેરાત કરી હતી કે ભાજપ રાજ્યમાં દરેક ઘૂસણખોરની માહિતી મેળવશે અને તેમને હાંકી કાઢશે. આ સિવાય કોંગ્રેસને પણ અનામત વિરોધી પાર્ટી ગણાવી હતી.

પહેલા મદન માલવીયજીને શ્રદ્ધાંજલિ આપી, પછી કોંગ્રેસ પર પ્રહારો કર્યા
નોંધનીય છે કે, અમિત શાહ મંગળવારે ઝારખંડના ઝરિયા વિધાનસભા ક્ષેત્રમાં એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું, ‘આજે આપણા દેશના મહાન નેતા મદન મોહન માલવીયજીની પુણ્યતિથિ છે. માલવીયજીએ સ્વતંત્રતા ચળવળમાં મોટું યોગદાન આપ્યું અને બનારસ હિંદુ યુનિવર્સિટીની સ્થાપના પણ કરી. આજે, હું તમારા બધા વતી માલવિયાજીને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

તેમણે કહ્યું કે કોંગ્રેસ અનામત વિરોધી પાર્ટી છે. તેઓ દેશના પછાત વર્ગો અને દલિતોનું આરક્ષણ ખતમ કરીને મુસ્લિમોને આપવા માંગે છે. ચિંતા કરશો નહીં, જ્યાં સુધી મોદીની સરકાર છે ત્યાં સુધી આવું નહીં થવા દે.

તમારો એક વોટ નક્કી કરશે કે તમે તમારી જાતને કરોડપતિ બનાવશો કે…
તેમણે કહ્યું, ‘આવનારી 20મીએ તમારે બધાએ મતદાન કરવાનું છે. તમારો દરેક વોટ ઝારખંડનું ભવિષ્ય નક્કી કરશે. તમારો એક વોટ નક્કી કરશે કે તમને જેએમએમ જોઈએ છે, જે પોતાને કરોડપતિ અને અબજોપતિ બનાવે છે, અથવા તમને નરેન્દ્ર મોદીની સરકાર જોઈએ છે, જે ગરીબ માતાઓને લાખપતિ દીદીઓ બનાવે છે.

ધનબાદમાં પણ કોંગ્રેસ પર પ્રહાર કર્યાં
ઝારખંડના ધનબાદમાં એક જાહેર સભાને સંબોધતા શાહે કહ્યું, ‘કોંગ્રેસ અનામત વિરોધી પાર્ટી છે. તેઓ પછાત વર્ગો અને દલિતો માટેનું આરક્ષણ ખતમ કરીને મુસ્લિમોને આપવા માંગે છે, પણ જ્યાં સુધી બીજેપીનો એક પણ ધારાસભ્ય છે ત્યાં સુધી અમે મુસ્લિમોને અનામત નહીં આપીએ.

કેન્દ્રીય મંત્રીએ એવો પણ ઉલ્લેખ કર્યો કે જો જેએમએમના મંત્રી આલમગીર આલમના ઘરેથી 35 કરોડ રૂપિયા અને કોંગ્રેસના સાંસદના ઘરેથી 350 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે તો તે કોના પૈસા છે? તેમણે કહ્યું કે આ ધનબાદના યુવાનો અને માતાઓ પાસેથી લૂંટવામાં આવેલા પૈસા છે. તેઓએ વિચાર્યું કે તેઓ આ રીતે લૂંટ કરીને ભાગી શકશે. બસ ભાજપની સરકાર બનાવો અને અમે આ લૂંટારાઓને ઠીક કરીશું.