જામનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન, પાકને મોટું નુકસાન

જામનગરઃ ભરઉનાળે વરસાદી માહોલ છવાતા ઉનાળુ પાક લીધેલા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. જામનગર પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે.

તલ, મગ, બાજરી અને કેરીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ત્યારે ખેડૂતોએ રાજ્ય સરકાર સર્વે કરાવીને વળતર આપે તેવી માગણી કરી છે. ઉલ્લેખનીય છે કે, જામનગર પંથકમાં છેલ્લા આઠ દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે જામજોધપુર, લાલપુર અને ધ્રોલમાં એકથી દોઢ ઇંચ વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે જણાવ્યુ છે કે, આગામી 24 કલાકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે. આગામી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં ભારે કમોસમી વરસાદ થવાની શક્યતા છે. વરસાદી ટ્રફ પસાર થતું હોવાથી રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. જૂનાગઢ, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, વલસાડ સહિત નવસારીમાં કમોસમી વરસાદની આગાહી છે. આવતીકાલે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે કેટલાક વિસ્તારમાં મહત્તમ તાપમાન 3થી 5 ડિગ્રી વધશે. અમદાવાદ, ગાંધીનગર સહિતના જિલ્લામાં છૂટાછવાયા વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે.