January 14, 2025

જામસાહેબની હાકલ – ‘ક્ષમા વિરસ્ય ભૂષણમ્’ ધર્મને યાદ કરી માફ કરવા જોઈએ

jamnagar jam saheb letter said to apologize parshottam rupala

જામનગરઃ જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાએ ગઈકાલે પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિયો અંગેના વિવાદાસ્પદ નિવેદનને વખોડી કાઢ્યું હતું. ત્યારે આજે ફરીથી તેમણે પત્ર જાહેર કરી ‘ક્ષમા વિરસ્ય ભૂષણમ્’ ધર્મને યાદ કરી માફ કરવા જોઈએ.

તેમણે પત્રમાં લખ્યુ છે કે, ગઈકાલે મારા પાત્રો સાર્વજનિક થયા પછી સમાજના ઘણા આગેવાનો ઘણા ધર્મગુરુઓ અને અન્ય આગેવાનો સાથે વાત થઈ. મારા ધ્યાન પર આવ્યુ કે રૂપાલાએ પહેલા બે વાર માફી માગી લીધી છે. પરંતુ આટલું પૂરતું નથી. નિવેદનની જગ્યાએ સમાજના પ્રમુખ આગેવાનો અને ધર્મગુરુઓની માફી માગવી જોઈએ. ફરી એકવાર રૂપાલા આ પ્રમાણે માફી માગે તો ‘ક્ષમા વિરસ્ય ભૂષણમ્’ના આપણા ધર્મને યાદ કરી માફી આપવી જોઈએ.’

તેઓ આગળ લખે છે કે, ‘આ ચૂંટણી શ્રી નરેન્દ્ર મોદીજીને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવાની ચૂંટણી છે. આપણા ગુજરાતના શ્રી નરેન્દ્ર મોદીજી દેશને ખૂબ આગળ વધાર્યો છે. દેશને સમૃદ્ધ અને સુરક્ષિત કર્યો છે. આપણા ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું વિશ્વમાં માન વધાર્યું છે. આ ધ્યાને લઈ આપણે આગળ વધવું જોઈએ.’

ગઈકાલે રાજકોટના રાજવી પરિવારના માંધાતાસિંહ જાડેજાએ પણ રૂપાલા વિવાદ અંગે નરો વા કુંજરો વા જેવો ઘાટ ઘડ્યો હતો. તેમણે સંવાદથી સમાધાન કરવાની વાત કરી હતી. ત્યારે સૌરાષ્ટ્રના અન્ય રાજવીઓએ પરશોત્તમ રૂપાલાના નિવેદનને વખોડી કાઢ્યું હતું. આ ઉપરાંત રાજપીપળાના રાજવી પરિવારના રાજમાતાએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે, ‘અમારામાં તો ભૂલ કરે તો માફી નહીં, માથું વાઢી લઈએ છીએ.’

વિવાદની શરૂઆત કેવી રીતે થઈ?
પરશોત્તમ રૂપાલાએ રૂખી સમાજની એક જાહેર સભામાં નિવેદન આપ્યું હતું કે, ‘ક્ષત્રિયોએ અંગ્રેજો સાથે રોટી-બેટીના વ્યવહાર કર્યા.’ત્યારબાદ ખૂબ ઝડપથી આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને ક્ષત્રિય સમાજે આ નિવેદનને વખોડી કાઢ્યું હતું. આ સાથે જ તેમણે પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરવાની શરૂઆત કરી હતી. શરૂઆતમાં ભાજપે આ મુદ્દાને બહુ ગંભીરતાથી લીધો નહોતો. આ નિવેદન આપ્યાની 30 મિનિટમાં જ રૂપાલાનો માફી માગતો વીડિયો સામે આવ્યો હતો. ત્યારબાદ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મિટિંગમાં પણ માફી માગી હતી. છતાં ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરવા તૈયાર નહોતો. તેમની એક જ માગ રહી છે કે, રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે.