December 22, 2024

જામનગરમાં ઉનાળાની શરૂઆતથી જ પાણી માટે ત્રાહિમામ્, અધિકારીઓ કહે છે – ચિંતા નથી!

jamnagar district summer 2024 started water issue officers said dont worry

સંજય વાઘેલા, જામનગરઃ શિયાળા બાદ હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે. સૌરાષ્ટ્ર કચ્છના જળાશયોમાં આવે માત્ર 40થી 50 ટકા જેટલો જળસંગ્રહ હોય તેવું જોવા મળી રહ્યું છે. આવી જ સ્થિતિ હાલારના બંને જિલ્લા જામનગર અને દેવભૂમિ દ્વારકામાં પણ જોવા મળી રહી છે. વાત કરીએ જામનગરની. તો જિલ્લામાં કુલ 25 નાના-મોટા જળાશયો આવેલા છે. જેમાં આગામી જુલાઈ માસ સુધી ચાલે તેટલો જ પાણીનો સંગ્રહ બચ્યો છે. તો 10થી મોટા નાના એવા ડેમો છે, જેમાં તળિયા દેખાવાની પણ શરૂઆત થઈ ગઈ છે. જામનગર શહેરની જનતાને પાણી પૂરું પાડતા રણજીતસાગર ડેમમાં પણ જુલાઈ માસ સુધી ચાલે તેટલું જ પાણી બચ્યું છે.

જામનગર જિલ્લાની વાત કરીએ તો જામનગર જિલ્લાના ખેડૂતોને સિંચાઈનું પાણી દેવામાં આવી રહ્યું છે. જો કે, આ ડેમોમાં 40થી 50 ટકા જેટલું જ પાણી બચ્યું છે. જામનગરમાં ટોટલ 25 જેટલા ડેમો આવેલા છે. જેમાં ઊંટ બે, આજી 4, સાસોઈ ડેમ, ફુલઝર, વેણુ, રણજિતસાગર, રૂપારેલ સહિતના ડેમોનો સમાવેશ થાય છે. જામનગર સિંચાઈ વિભાગની કચેરીમાં જણાવ્યા પ્રમાણે એપ્રિલથી લઈને જુલાઈ માસ સુધી ચાલે તેટલું જ પાણીનો સંગ્રહ જળાશયોમાં ઉપલબ્ધ છે. ઊંડ-1માં 54.99 ટકા, સાસોઈ 46.43 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રૂપાવટી અને ફોફળ 2 ડેમમાં તો તળિયું દેખાવા લાગ્યું છે. આ સિવાયના જળાશયોમાં અંદાજે સરેરાશ 40થી 50% જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જામનગરના લોકોની જીવાદોરી સમાન રણજિતસાગર ડેમમાં હાલ 22 ફૂટ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આટલું પાણી જુલાઈ માસ સુધી ચાલે તેટલું છે.

ગત વર્ષે ભાદરવા મહિનામાં વરસાદ પડ્યો ન હતો. જેના કારણે બોરમાં પાણી ખૂટવા લાગ્યું છે. જામનગર શહેર વાસીઓની વાત કરીએ તો, જામનગરની જનતાને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવતા એકમાત્ર રણજીતસાગર ડેમમાં જુલાઈ માસ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રણજીતસાગર ડેમ સૌની યોજના અંતર્ગત આવતો હોવાથી જરૂર પડે તેમાં પાણી ઠલવાશે. જામનગરના સત્તાધીશોનું કહેવું છે, કે જામનગરની જનતાએ ઉનાળામાં પાણીની સમસ્યાનો સામનો નહીં કરવો પડે.

જામનગર જિલ્લાના મોટાભાગના જળાશયોમાં માત્ર જુલાઈ મહિના સુધી ચાલે તેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે. જામનગરના સિંચાઈ અધિકારીઓનું કહેવું છે કે, જામનગરના લોકોએ ચિંતા કરવાની જરૂર નથી પરંતુ ચોમાસુ જો લંબાશે અને મોડું શરૂ થશે તો લોકોએ પાણી માટે વલખાં મારવા પડે તેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.