જામનગરમાં કોંગો ફિવરથી દર્દીનું મોત, આરોગ્ય વિભાગ એલર્ટ
જામનગરઃ કોંગો ફિવર નામના રોગથી દર્દીનું મોત થયું છે. પશુઓમાંથી માણસમાં કોંગો ફીવર નામનો રોગ ફેલાય છે. ત્યારે દર્દીનું મોત થતાં શહેર જિલ્લાના આરોગ્ય સત્તાવાળાઓ એલર્ટ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષો બાદ શહેરમાં આ કેસ નોંધાયો છે.
આ કોઈ ચેપી કે વાયરલ રોગ ન હોવાથી ચિંતાનું કોઈ કારણ નથી. હોસ્પિટલ સત્તાવાળાઓએ આ જાણકારીને સમર્થન આપ્યું છે. જામનગર શહેરના પંચેશ્વર ટાવર નજીકના એક વિસ્તારમાં રહેતાં 50 વર્ષના આધેડને કોંગો ફિવરનો રોગ થયો હતો.
આધેડ ગત 21 જાન્યુઆરીએ જામનગર જીજી હોસ્પિટલમાં દાખલ થયા હતા. કોંગો ફિવરના શંકાસ્પદ લક્ષણો હતા એવી જાણકારીઓ ધ્યાન પર આવી હતી. જાણકારી મળતા હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા આ દર્દીનો એક રિપોર્ટ પુણે ખાતે કરાવવામાં આવ્યો હતો. આ રિપોર્ટ પોઝિટીવ આવ્યો તે અગાઉ ગઈકાલે આ દર્દીનું મોત થયું છે.