કુપવાડામાં વધુ એક આતંકી હુમલો, સામાજિક કાર્યકર ગુલામ રસૂલની ગોળી મારીને હત્યા કરી

Jammu Kashmir: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલા બાદ પાકિસ્તાન સતત તેની નફ્ફટાઈ બતાવી રહ્યું છે. અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં શંકાસ્પદ આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 45 વર્ષીય સામાજિક કાર્યકર ઘાયલ થયા હતા, ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે શનિવારે મોડી રાત્રે કાંડી ખાસમાં તેમના નિવાસસ્થાનમાં આતંકવાદીઓએ સામાજિક કાર્યકર ગુલામ રસૂલ માગરે પર ગોળીબાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ ગોળીબારમાં ગુલામ રસૂલ માગરે ઘાયલ થયા હતા, ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. જોકે, આતંકવાદીઓએ સામાજિક કાર્યકરને કેમ નિશાન બનાવ્યા તે હજુ સુધી બહાર આવ્યું નથી.

આ પણ વાંચો: પાકિસ્તાને ફરી કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

આતંકવાદીઓના ઘર તોડી પાડવામાં આવ્યા
તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 2 વિદેશી પ્રવાસીઓ સહિત 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ પછી ભારતે પાકિસ્તાન સામે કાર્યવાહી કરી છે, જ્યાં એક તરફ વિઝા રદ કરવામાં આવ્યા છે. બીજી તરફ ઘણા આતંકવાદીઓના ઘર પણ તોડી પાડવામાં આવ્યા છે.