જમ્મુ કાશ્મીરના કુલગામમાં સેનાનું સર્ચ ઓપરેશન, આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી

Jammu Kashmir: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદથી કાશ્મીરમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે અનેક અલગ-અલગ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી સેના આતંકવાદીઓની શોધમાં ખીણના વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ અંગે એક યાદી પણ જારી કરવામાં આવી છે, જેમાં 14 સક્રિય આતંકવાદીઓના નામ છે. આમાંથી 6 આતંકવાદીઓ માર્યા ગયા છે. જ્યારે બાકીના આતંકવાદીઓની શોધ ચાલુ છે.

કાશ્મીરમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે સેના સંપૂર્ણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. આ જ કારણ છે કે માહિતી મળતાં જ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે છે. મોડી રાત્રે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના ગુદ્દર જંગલ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી. આ પછી સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના ગુદ્દર જંગલ વિસ્તારને કોર્ડન કરીને મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓની ગતિવિધિઓ અંગે માહિતી મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગાઝામાં ઈઝરાયલની એર સ્ટ્રાઈક, 31 બાળકો સહિત 108 લોકોના મોત

48 કલાકમાં 6 આતંકવાદીઓ માર્યા ગયા
ભારતીય સેના આતંકવાદીઓને ખતમ કરવામાં વ્યસ્ત છે. આ જ કારણ છે કે સમગ્ર વિસ્તારમાં સુરક્ષાદળો તૈનાત કરવામાં આવ્યા છે અને એકસાથે વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. તાજેતરમાં સેના દ્વારા 14 આતંકવાદીઓની હિટ લિસ્ટ બહાર પાડવામાં આવી હતી. આ યાદીમાંથી સેના દ્વારા 6 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે, જ્યારે અન્ય 8 આતંકવાદીઓની શોધ ચાલુ છે. સેનાનું કહેવું છે કે ખીણમાં હાજર કોઈપણ આતંકવાદીને બક્ષવામાં આવશે નહીં. આ માટે તમામ યુનિટ અને જમ્મુ-કાશ્મીર પોલીસ એક સાથે ઓપરેશન ચલાવી રહી છે.