કાશ્મીરના ગુલમર્ગમાં આતંકી હુમલો, સેનાના વાહનને નિશાન બનાવાયું; 5 જવાનો ઘાયલ
Indian army vehicle attacked: જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં ભારતીય સેનાના વાહન પર આતંકી હુમલો થયો છે. હુમલામાં 5 જવાન ઘાયલ થયા છે. સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. સેનાએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ચાર દિવસમાં આ ત્રીજો મોટો હુમલો છે. આ પહેલા 20 ઓક્ટોબરે ગાંદરબલમાં આતંકવાદી હુમલામાં ડોક્ટર સહિત 7 લોકોના મોત થયા હતા.ગુરુવારે સવારે પણ એક બિન-પ્રવાસી મજૂરને આતંકવાદીઓએ ગોળી મારી હતી.
ગુલમર્ગમાં થયેલા આતંકવાદી હુમલા અંગે સેનાના અધિકારીઓએ પીટીઆઈને માહિતી આપી કે બારામુલ્લા જિલ્લાના બોટાપથરી ખાતે આતંકવાદીઓએ વાહન પર ગોળીબાર કર્યો હતો. હુમલામાં ઘાયલ જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગુલમર્ગમાં સેનાના વાહન પર આતંકવાદી હુમલાના કલાકો પહેલા પુલવામામાં શંકાસ્પદ આતંકવાદી હુમલામાં એક બિન-સ્થાનિક મજૂર ઘાયલ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદી ગોળીબારમાં ઘાયલ થયેલા મજૂરની ઓળખ ઉત્તર પ્રદેશના રહેવાસી શુભમ કુમાર તરીકે થઈ છે. તેને આજે સવારે બાટાગુંડ ગામમાં આતંકવાદીઓએ ગોળી મારી હતી. ગોળી તેના હાથમાં વાગી હતી. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.