September 19, 2024

જમાત-એ-ઈસ્લામીએ પાકિસ્તાનની મદદથી બાંગ્લાદેશમાં ભડકાવી હતી હિંસાની આગ

દિલ્હી: બાંગ્લાદેશમાં હાલ ફેલાયેલી અરાજકતા માટે ત્યાંની સૌથી મોટી ઇસ્લામિક રાજકીય પાર્ટી જમાત-એ-ઇસ્લામી જવાબદાર છે. આ પાર્ટી શરૂઆતથી જ વિદ્યાર્થી આંદોલનમાં ઘૂસેલા હતા અને તેમને ઉશ્કેરવાનું કામ કરતા હતા. આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાત કમર આગાએ સોમવારે એક ઇન્ટરવ્યૂમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. તેમને પૂછવામાં આવ્યું કે લોકો બાંગ્લાદેશના રચનાકાર શેખ મુજીબુર રહેમાનની પ્રતિમા કેમ તોડવામાં આવી, જ્યારે તેમનો આક્રોશ શેખ હસીના સરકાર સામે હતો.

સવાલના જવાબના કમર આગાએ જણાવ્યું હતું, “બાંગ્લાદેશમાં અત્યારે જે કંઈ થઈ રહ્યું છે તે દેશની જમાત-એ-ઈસ્લામી પાર્ટીને કારણે છે, જે પાકિસ્તાનનું સમર્થન કરે છે. આ લોકો તે સમયે પણ પાકિસ્તાનને મદદ કરી રહ્યા હતા જ્યારે શેખ મુજીબુર રહેમાન બાંગ્લાદેશની રચના કરી રહ્યા હતા. એ લોકોએ પાકિસ્તાની સેનાને મદદ કરી હતી.”

કમર આગાએ કહ્યું, “આ એ જ જૂથ છે જેણે આજે ફરીથી બાંગ્લાદેશને પોતાની ચપેટમાં લઈ લીધું છે. વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ આ ઇસ્લામિક લોકો શરૂઆતથી તેમની વચ્ચે હાજર હતા. બાદમાં તેમના સાથી જેઓ આતંકવાદી છે… હુજી જેવા સંગઠનો, તેઓ ત્યાં તોડફોડનું કામ કરી રહ્યા હતા અને શક્ય છે કે શેખ મુજીબુર રહેમાનની પ્રતિમા તોડનારા તેઓ જ હતા.”

આગાએ આગળ કહ્યું કે બાંગ્લાદેશના તમામ ધાર્મિક સંગઠનો ન માત્ર ભારત વિરોધી છે, પરંતુ તેઓ શેખ મુજીબુર રહેમાન, તેમની પુત્રી શેખ હસીના અને દેશની સત્તાધારી પાર્ટી અવામી લીગના પણ વિરોધી છે. દરમિયાન, બાંગ્લાદેશના આર્મી ચીફ વકાર ઉઝ ઝમાને કહ્યું કે શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે અને વચગાળાની સરકાર શાસનની લગામ સંભાળશે.