November 24, 2024

એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી

Israel: ઈઝરાયલે ફરી એકવાર પોતાના બોમ્બ ધડાકાથી સેન્ટ્રલ બેરૂતને હચમચાવી નાખ્યું છે. અહેવાલો અનુસાર, ઈઝરાયલે શનિવારે વહેલી સવારે મધ્ય બેરૂતને નિશાન બનાવીને એક શક્તિશાળી હવાઈ હુમલો કર્યો હતો આ હુમલો એટલો ખતરનાક હતો કે તેણે સમગ્ર રાજધાનીને હચમચાવી નાખ્યું હતું. હુમલા બાદ જાહેર કરાયેલી તસવીરોમાં નાગરિક ઈમારતોને નુકસાન થયું હોવાનું દર્શાવવામાં આવ્યું છે, જ્યારે ઈઝરાયલે ઈરાન સમર્થિત હિઝબુલ્લાહના સ્થાનોને નિશાન બનાવવાનો દાવો કર્યો છે.

એક અહેવાલ અનુસાર રાજધાનીમાં સવારે 4 વાગ્યાની આસપાસ અનેક વિસ્ફોટો સાંભળવામાં આવ્યા હતા. બે સુરક્ષા સૂત્રોએ માહિતી આપી હતી કે રાજધાની પર ઓછામાં ઓછા 4 રોકેટ છોડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર હુમલાના ફૂટેજમાં બેરૂતના બસ્તા વિસ્તારમાં વિસ્ફોટ સ્થળ તરફ દોડી રહેલી એમ્બ્યુલન્સના સાયરન સાંભળી શકાય છે. લેબનોનની અલ જાદીદ ચેનલ દ્વારા જારી કરાયેલી તસવીરોમાં એક ઈમારત સંપૂર્ણપણે નાશ પામેલી જોઈ શકાય છે, જ્યારે આસપાસની ઘણી ઈમારતોને ખરાબ રીતે નુકસાન થયું છે. આ અઠવાડિયે બેરૂત સેન્ટ્રલને નિશાન બનાવતી આ ચોથી ઈઝરાયલ એરસ્ટ્રાઇક છે. રવિવારના રોજ, રાસ અલ-નબા જિલ્લામાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના એક વરિષ્ઠ મીડિયા અધિકારી માર્યા ગયા હતા.

 

આ પણ વાંચો: સંભલમાં મસ્જિદના સર્વેને લઈને હોબાળો… 7 ગાડીઓને આગચંપી, 2 લોકોના મોત