July 2, 2024

ગાઝામાં ઈઝરાયલી સેનાની એરસ્ટ્રાઇક, હમાસના મહત્વના અડ્ડાઓ કર્યા તબાહ

Israel-Hamas War: ઈઝરાયેલની સેનાએ હમાસના એક મોટા બેઝને નષ્ટ કરવાનો દાવો કર્યો છે. IDF એ તેની લાઈવ તસવીરો પણ જાહેર કરી છે. ઈઝરાયેલની સેના દ્વારા જારી કરવામાં આવેલી આ તસવીરોમાં જોરદાર હવાઈ હુમલામાં એક ઈમારત ધ્વસ્ત થતી જોઈ શકાય છે. આ હુમલાઓ સાથે ઇઝરાયેલી વાયુસેનાએ દાવો કર્યો હતો કે વિનાશક હવાઈ હુમલામાં હમાસની આતંકવાદી ટનલને નિશાન બનાવવામાં આવી હતી, જે આ ઇમારતની નીચેથી પસાર થઈ હતી.

ઈઝરાયેલની સેનાએ એવો પણ દાવો કર્યો છે કે આ ટનલ હમાસના મોટા આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન હતી. જો કે, આ હુમલામાં કેટલા લોકો ઘાયલ થયા છે તે ઇઝરાયેલ તરફથી સ્પષ્ટ થયું નથી. આ હુમલો ત્યારે થયો છે જ્યારે હિઝબુલ્લાહનો ડેપ્યુટી કમાન્ડર અલી આબેદ નઈમ શુક્રવારે જ ઈઝરાયેલના હવાઈ હુમલામાં લેબનોનમાં માર્યો ગયો હતો. નોંધનીય છે કે, નઇમ હિઝબુલ્લાહની મિસાઇલ અને રોકેટ યુનિટનો ડેપ્યુટી કમાન્ડર હતો. તેમના નેતૃત્વમાં ઈઝરાયેલ પર મોટા હુમલાઓ કરવામાં આવ્યા હતા. ત્યારથી અલી અબેદ નઈમ ઈઝરાયેલની સેનાના નિશાના પર હતો.

બીજી બાજુ લેબનોન ઉપરાંત ઉત્તર-પશ્ચિમ સીરિયાના અલેપ્પોમાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં 42 લોકોના મોત થયા છે. ઇઝરાયેલના વિમાનોએ હિઝબુલ્લાહના હથિયારોના ભંડારને નિશાન બનાવ્યું હતું. જેમાં હિઝબુલ્લાહના ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હતા. 7 ઓક્ટોબરથી ઇઝરાયેલ ગાઝામાં હમાસના આતંકવાદીઓ તેમજ લેબનોન અને સીરિયામાં તેના દુશ્મનોને નિશાન બનાવી રહ્યું છે.