તેલ અવીવના બાટ યામમાં ત્રણ બસમાં જોરદાર બ્લાસ્ટ, પોલીસે કહ્યું – આતંકી હુમલાની શંકા

Israel Bus Blast: ગુરુવારે રાત્રે તેલ અવીવના બાટ યામ અને હોલોનના ઉપનગરોમાં પાર્કિંગ પ્લોટમાં ઉભેલી ત્રણ ખાલી બસોમાં એકપછી એક વિસ્ફોટ થયો હતો. ત્યારે પોલીસે તેને શંકાસ્પદ આતંકવાદી હુમલો ગણાવ્યો હતો.
આ ઘટનાઓમાં કોઈ ઈજાગ્રસ્ત થયાના અહેવાલ નથી. પોલીસે જણાવ્યું હતું કે, તેમણે નજીકની બસોમાં બે અન્ય વિસ્ફોટ ન થયેલા ઉપકરણોને નિષ્ક્રિય કર્યા હતા. હિબ્રુ મીડિયાના અહેવાલો અનુસાર, તે ઉપકરણો હોલોનમાં મળી આવ્યા હતા. દરેક ઉપકરણમાં 5 કિલોગ્રામ વિસ્ફોટકો હતા.
પોલીસે જણાવ્યું હતું કે, તેઓ ઘટનાસ્થળની તપાસ કરી રહ્યા છે અને શંકાસ્પદોની શોધખોળ કરી રહ્યા છે. જ્યારે બોમ્બ સેપર આસપાસના વિસ્તારમાં અન્ય કોઈ શંકાસ્પદ વસ્તુઓ શોધી રહ્યા છે.
વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલયે જણાવ્યું હતું કે, વડાપ્રધાન પરિસ્થિતિ અંગે સતત અપડેટ્સ મેળવી રહ્યા હતા અને ગુરુવારે મોડી રાત્રે સુરક્ષા મૂલ્યાંકન કર્યું હતું. ત્યારબાદ તેમણે જાહેરાત કરી હતી કે, તેમણે IDFને પશ્ચિમ કાંઠે આતંકવાદી કેન્દ્રો સામે મોટાપાયે કાર્યવાહી શરૂ કરવા સૂચના આપી છે.