November 28, 2024

ઇઝરાયલનો ઇરાન પર જવાબી હુમલો, ધડાધડ મિસાઇલો છોડી

Israel retaliated against Iran firing flurry of missiles at isfan airport

તહેરાનઃ તાજેતરમાં ઈરાને ઈઝરાયલ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો હતો. હવે સમાચાર આવ્યા છે કે, ઈઝરાયેલે પણ જવાબી કાર્યવાહી કરીને ઈરાન પર મિસાઈલોથી હુમલો કર્યો છે. અમેરિકન મીડિયાએ ટોચના અમેરિકન અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી છે.

ઈરાનના એરપોર્ટ પર જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સીએ પણ દાવો કર્યો છે કે, ઈરાનના શહેર ઈસ્ફાનના એરપોર્ટ પર વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. જો કે, વિસ્ફોટનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. નોંધનીય છે કે, ઈરાનના ઘણા પરમાણુ મથકો ઈસ્ફાન પ્રાંતમાં સ્થિત છે, જેમાંથી ઈરાનમાં યુરેનિયમ સંવર્ધનનું મુખ્ય કેન્દ્ર પણ અહીં સ્થિત છે. અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાનના એરસ્પેસમાં ઘણી ફ્લાઈટ્સના રૂટ બદલવામાં આવ્યા છે.

તાજેતરમાં જ ઈરાને ઈઝરાયલ પર હુમલો કરવાની વાત કહી હતી. જો કે, આ મિસાઇલો અને ડ્રોન ઇઝરાયલના એર ડિફેન્સમાં પ્રવેશ કરી શક્યા ન હતા. દમાસ્કસમાં ઈરાનના દૂતાવાસ પર હુમલો થયો હતો. આ હુમલામાં ઈરાનની સેનાના બે ટોચના કમાન્ડર સહિત સાત લોકો માર્યા ગયા હતા. ઈરાને આ હુમલા માટે ઈઝરાયલ પર આરોપ લગાવ્યો હતો. આ હુમલાના જવાબમાં ઈરાને ઈઝરાયેલ પર હુમલો કર્યો. હુમલા બાદ ઈરાને ચેતવણી આપી હતી કે, જો ઈઝરાયલ તેમના પર હુમલો કરશે તો તેઓ વધુ તાકાતથી જવાબ આપશે.

સમગ્ર પશ્ચિમ એશિયામાં તણાવ વધવાની આશંકા છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં ઈઝરાયલે ઈરાનની સેનાને આતંકવાદી સંગઠન જાહેર કરવાની માગ કરી હતી. આ સાથે જ ઈરાને ઈઝરાયલને ચેતવણી આપી હતી કે, જો તેણે ઈરાન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો તો તેના પરિણામો ગંભીર આવશે. ઈરાને અમેરિકાને પણ ચેતવણી આપી હતી કે, તે બંને દેશો વચ્ચે ન આવે. યુએન સેક્રેટરી જનરલે બંને દેશોને આ મામલાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે અપીલ કરી હતી. કારણ કે, પશ્ચિમ એશિયા બીજા યુદ્ધનો સામનો કરવાની સ્થિતિમાં નથી. ઘણા નિષ્ણાતોએ આશંકા વ્યક્ત કરી છે કે, ઈઝરાયલ-હમાસ યુદ્ધ બાદ ઈઝરાયલ-ઈરાન તણાવ સમગ્ર આરબ ક્ષેત્રમાં તણાવ વધી શકે છે.