ઈઝરાયલની હમાસને ચેતવણી, રમઝાન પહેલાં બંધકોને મુક્ત કરો નહીંતર…
Isreal-Hamas War: ઇઝરાયલ-હમાસ યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં 29 હજારથી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. જોકે, ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસના નેતાઓને મેજબાની કરવા બદલ કતારની ટીકા કરી છે. હમાસ શાસિત ગાઝાના આરોગ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં 107 મૃતદેહો હોસ્પિટલોમાં લાવવામાં આવ્યા છે, જે યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 29,092 પર લાવે છે. મંત્રાલયે એ નથી જણાવ્યું કે કેટલા નાગરિકો અને કેટલા લડવૈયા માર્યા ગયા. જોકે, મંત્રાલયે કહ્યું કે માર્યા ગયેલા લોકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. તેમજ 69 હજારથી વધુ પેલેસ્ટાઈન ઘાયલ થયા છે.
હમાસે આ યુદ્ધ શરૂ કર્યું
ગયા વર્ષે 7 ઓક્ટોબરના રોજ, હમાસના ઉગ્રવાદીઓએ દક્ષિણ ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો, જેમાં લગભગ 1,200 લોકો માર્યા ગયા હતા, જ્યારે લગભગ 250 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. હમાસના હુમલા બાદ ઇઝરાયલે ગાઝા સામે યુદ્ધ શરૂ કર્યું હતું. નવેમ્બરમાં એક અઠવાડિયા સુધી ચાલેલા યુદ્ધવિરામ દરમિયાન, હમાસે 100 થી વધુ બંધકોને મુક્ત કર્યા, જેના બદલામાં ઈઝરાયલે 240 પેલેસ્ટાઈનીઓને મુક્ત કર્યા.
130 ઈઝરાયલ હજુ પણ બંધક
130 બંધકો હજુ પણ ઉગ્રવાદીઓની કસ્ટડીમાં છે, જેમાંથી એક ક્વાર્ટરના મૃત્યુની આશંકા છે. રવિવારે નિવૃત્ત જનરલ અને નેતન્યાહુની ત્રણ સભ્યોની યુદ્ધ કેબિનેટના સભ્ય બેની ગેન્ટ્ઝે ચેતવણી આપી હતી કે જો મુસ્લિમોના પવિત્ર રમઝાન મહિનાની શરૂઆત સુધીમાં બંધકોને મુક્ત કરવામાં નહીં આવે તો રફાહમાં પણ હુમલાઓ થઈ શકે છે. રમઝાન મહિનો 10 માર્ચની આસપાસ શરૂ થવાની ધારણા છે. ઇઝરાયલના કટ્ટર સમર્થક અમેરિકાએ કહ્યું છે કે તે મધ્યસ્થીઓ – ઇજિપ્ત અને કતાર સાથે અન્ય યુદ્ધવિરામ માટે પ્રયાસ કરી રહ્યું છે. આ સિવાય બંધકોને છોડાવવા માટે સમજૂતી પર પહોંચવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.
નેતન્યાહુ કતાર પર ગુસ્સે
ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂએ હમાસ નેતાઓની મેજબાની કરવા બદલ કતાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કતારને હમાસ પર દબાણ લાવવાની અપીલ કરી હતી. બીજી તરફ હમાસે તમામ 130 બંધકોને મુક્ત કરવાની શરત રાખી છે. પ્રથમ, ઇઝરાયલે યુદ્ધ સમાપ્ત કરવું જોઈએ, અને બીજું, તેના સૈનિકો ગાઝામાંથી પાછા હટવા જોઈએ. આ સિવાય હમાસે ટોચના ચરમપંથીઓ સહિત સેંકડો પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાની પણ માંગ કરી છે. નેતન્યાહુએ આ માંગણીઓને ફગાવી દીધી છે.
વડા પ્રધાન નેતન્યાહુએ રવિવારે અમેરિકન યહૂદી નેતાઓ સમક્ષ પોતાના ભાષણમાં કહ્યું હતું કે કતાર પર દબાણ લાવવું જોઈએ, જેણે ગયા વર્ષના યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ માટે વાટાઘાટોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે કહ્યું, “હમાસ પર કતાર જેટલું દબાણ કોઈ કરી શકે નહીં, તેઓએ હમાસના નેતાઓની મેજબાની કરી છે. હમાસ આર્થિક રીતે તેમના પર નિર્ભર છે. “હું તમને વિનંતી કરું છું કે કતારને હમાસ પર દબાણ લાવવા માટે કહો, કારણ કે અમે ઇચ્છીએ છીએ કે અમારા બંધકોને મુક્ત કરવામાં આવે.”
કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માજિદ અલ-અંસારીએ નેતન્યાહુના નિવેદનને ફગાવી દીધું હતું. કતારનું કહેવું છે કે તેણે તાજેતરના વર્ષોમાં ઈઝરાયલ, અમેરિકા અને અન્ય પક્ષોના સહયોગથી ગાઝાને મદદ કરી છે. અલ-અંસારીએ કહ્યું, “ઇઝરાયેલના વડા પ્રધાન સારી રીતે જાણે છે કે કતાર પ્રથમ દિવસથી મધ્યસ્થી પ્રયાસો, સંકટનો અંત લાવવા અને બંધકોની મુક્તિ માટે પ્રતિબદ્ધ છે.”