December 4, 2024

ફરી યુદ્ધવિરામનો ભંગ… ઈઝરાયલે લેબનોન પર મિસાઇલ છોડી, હુમલામાં 11ના મોત

Israel: ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધવિરામ છતાં લેબનોનમાં શાંતિ સ્થાપિત થવાના કોઇ સંકેત દેખાતા નથી. ઈઝરાયલે દાવો કર્યો હતો કે હિઝબુલ્લાહે ઈઝરાયલ પર કેટલાક અસ્ત્રો છોડ્યા હતા જેના જવાબમાં ઈઝરાયલે ભારે હવાઈ હુમલા કર્યા હતા. આ દરમિયાન 11 લોકોના મોત થયા છે. ગયા બુધવારથી 60 દિવસનો યુદ્ધવિરામ અમલમાં આવ્યા બાદ હિઝબુલ્લાએ પ્રથમ વખત ઇઝરાયલી દળોને નિશાન બનાવ્યા હતા.

આ યુદ્ધવિરામનો હેતુ ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે લગભગ એક વર્ષથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવાનો હતો. જો કે, યુદ્ધવિરામ હોવા છતાં, બંને દેશો એક બીજા પર વારંવાર ઉલ્લંઘનનો આરોપ લગાવીને યુદ્ધવિરામ પ્રોટોકોલનો ભંગ કરતા જોવા મળે છે. આજે લેબનોનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઈઝરાયલના હવાઈ હુમલાને કારણે દક્ષિણી ગામમાં હરિસમાં પાંચ લોકોના મોત થયા છે અને બે ઘાયલ થયા છે. તેમજ તલુસા ગામમાં ચાર લોકોના મોત અને બે ઘાયલ થયા હતા.

આ પણ વાંચો: બાંગ્લાદેશ: ચિન્મય દાસને જેલમાં જ રહેવું પડશે, કોઈ વકીલ ન રહ્યા હાજર

હિઝબુલ્લાહનો દાવો
હિઝબુલ્લાહે તેના નિવેદનમાં કહ્યું કે તેણે ઈઝરાયલ સામે રક્ષણાત્મક અને ચેતવણીપૂર્વક જવાબ આપ્યો. તેમણે આરોપ લગાવ્યો કે ઈઝરાયલ વારંવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. આ સાથે હિઝબુલ્લાહે એમ પણ કહ્યું કે આ મુદ્દે મધ્યસ્થીઓને ફરિયાદ કરવાનો કોઈ ફાયદો નથી.

ઈઝરાયલનું કહેવું છે કે હિઝબુલ્લાહના હુમલાના જવાબમાં તેણે હિઝબુલ્લાહના લડવૈયાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકેટ લોન્ચર પર હુમલો કર્યો હતો. ઈઝરાયલની સેનાએ દાવો કર્યો હતો કે હિઝબુલ્લાહ દ્વારા છોડવામાં આવેલા અસ્ત્રો ખુલ્લા વિસ્તારોમાં પડ્યા હતા. જેના કારણે કોઈ નુકસાન થયું નથી.