November 26, 2024

ઈસ્લામાબાદ યુદ્ધનું મેદાન બન્યું, ઈમરાન સમર્થકો રસ્તા પર, કન્ટેનરની દીવાલ પણ નિષ્ફળ…

Pakistan Rangers: પાકિસ્તાનની રાજધાની અત્યારે યુદ્ધનું મેદાન છે. એક તરફ ઈમરાન ખાનના સમર્થકો છે તો બીજી તરફ જનરલ આસિમ મુનીરની સેના છે.  ઈમરાનના સમર્થકો તેમને રોકવા માટે રસ્તાઓ પર ઉભા કરાયેલા કન્ટેનરની દિવાલો હટાવીને ઈસ્લામાબાદમાં પ્રવેશ્યા છે અને હાલમાં તેઓ બેકાબૂ છે. ઈસ્લામાબાદને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. વાસ્તવમાં, પીટીઆઈ કાર્યકર્તાઓ અને તેમના સમર્થકો ઈમરાન ખાનની મુક્તિની માંગ સાથે ઈસ્લામાબાદ સુધી વિરોધ માર્ચ કાઢી રહ્યા હતા. સરકારે તેમને રસ્તામાં રોકવાનો પ્રયાસ કર્યો, જે બાદ ઈમરાનના સમર્થકો ગુસ્સે થઈ ગયા.

શાહબાઝ સરકારનો દાવો છે કે ઈમરાન સમર્થકોના હુમલામાં પાકિસ્તાન રેન્જર્સના ત્રણ સૈનિકોના મોત થયા છે. ઈસ્લામાબાદ પ્રશાસન અનુસાર, ઈમરાન સમર્થકોએ ત્રણ પાકિસ્તાની રેન્જર્સને તેમના વાહનોથી કચડીને મારી નાખ્યા. ઈસ્લામાબાદના ડી-ચોક ખાતે પોલીસ અને પીટીઆઈ કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. પાકિસ્તાનના ગૃહપ્રધાન મોહસિન નકવીએ ઈસ્લામાબાદના આઈજીને પરિસ્થિતિ પર નિયંત્રણ રાખવાનો આદેશ આપ્યો છે. તેમણે પીટીઆઈ કાર્યકરો દ્વારા હિંસા પર ખેદ વ્યક્ત કર્યો અને કહ્યું કે ચાર સુરક્ષા કર્મચારીઓ – ત્રણ પાકિસ્તાન રેન્જર્સ સૈનિકો અને એક પોલીસકર્મી – તેમના હુમલામાં જીવ ગુમાવ્યો હતો.

નિર્દોષ લોકો પર સરકાર ગોળીબાર ન કરે: પીટીઆઈ
પાકિસ્તાન ઇન્ટરનેશનલ ફોરમમાં, ભારત પર કાશ્મીરમાં નાગરિકો પર અત્યાચાર કરવા અને તેમની વિરુદ્ધ પેલેટ ગનનો ઉપયોગ કરવાનો વારંવાર ખોટો આરોપ લગાવવામાં આવે છે, પરંતુ એ જ પાકિસ્તાન આજે ઇસ્લામાબાદમાં નિર્દોષ લોકો પર પેલેટ ગનનો ઉપયોગ કરી રહ્યું છે. જ્યારે પેલેટ ગનમાંથી ફાયરિંગ કરવામાં આવે છે, ત્યારે એક સાથે અનેક પ્લાસ્ટિકના છરા નીકળે છે. આનાથી જાનહાનિ તો નથી થતી, પરંતુ આંખો ગુમાવવાનું જોખમ રહેલું છે. સમગ્ર પંજાબ પ્રાંતમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષ બેરિસ્ટર ગોહર અલી ખાને સરકારને નિર્દોષ લોકો પર ગોળીબાર કરવાથી દૂર રહેવાનું આહ્વાન કર્યું છે.