July 2, 2024

ઇરાનના ચાબહારમાં આતંકી હુમલો, 17 કલાક સુધી સતત ગોળીબાર

iran Chabahar Terror attack continuous firing for 17 hours

ફાઇલ તસવીર

તેહરાનઃ ઈરાનના ચાબહારમાં આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. ચાબહાર ઈરાનનું દક્ષિણ શહેર છે, જેનું બંદર ભારત દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવ્યું હતું. આ લડાઈ ઈન્ટેલિજન્સ બિલ્ડિંગની આસપાસ થઈ રહી છે. રવિવારે વહેલી સવારે આતંકવાદી હુમલાથી ચાબહાર હચમચી ઉઠ્યું હતું. તેને લગતો વીડિયો સામે આવ્યો છે, જેમાં ગોળીઓનો અવાજ સંભળાય છે. એવું માનવામાં આવે છે કે, આ હુમલો બલોચ વિદ્રોહીઓએ કર્યો હતો. હુમલા પાછળ જૈશ અલ-અદાલનો હાથ હોઈ શકે છે, પરંતુ આ વાતની પુષ્ટિ થઈ નથી. તાજેતરમાં જ જૈશ અલ-અદલે ઈરાનમાં હુમલો કર્યો હતો.

ઈરાનના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગુરુવારે સવારે એક આતંકવાદી જૂથે એકસાથે અનેક હુમલા કર્યા હતા. લગભગ 17 કલાક સુધી શહેરના રસ્તાઓ પર ગોળીબાર ચાલુ રહ્યો, જેના પરિણામે 10 સુરક્ષા અધિકારીઓ સહિત 18 આતંકવાદીઓ માર્યા ગયા હતા. સરકારી ટેલિવિઝને સિસ્તાન અને બલુચિસ્તાન પ્રાંતની શેરીઓમાં બંદૂકધારીઓ દોડતા હોવાની તસવીરો બતાવી હતી. બંને શહેરો રોકેટથી લોંચ કરાયેલા ગ્રેનેડ, ગોળીઓ અને પ્રચંડ વિસ્ફોટોથી હચમચી ઉઠ્યા હતા. હુમલામાં 44 લોકો ઘાયલ થયા હતા.

રવિવારે સવારે એક અઠવાડિયામાં ઈરાન પર બીજો હુમલો થયો હતો. અલગતાવાદી વંશીય બલોચ જૂથ જૈશ અલ-અદલે ગુરુવારના હુમલાની જવાબદારી સ્વીકારી હતી. ઈરાનના નાયબ ગૃહમંત્રી માજિદ મિરહમાદીએ સરકારી ટેલિવિઝન પર જણાવ્યું કે, લગભગ 17 કલાક સુધી લડાઈ ચાલુ રહી. કહ્યુ કે, ‘બંદૂકધારીઓ ઘરોમાં ઘૂસી ગયા અને લોકોને ઢાલ તરીકે ઉપયોગ કરીને બંધક બનાવ્યા’. જો કે, સુરક્ષા દળો તેમને બચાવવામાં સફળ રહ્યા હતા. તેમણે કહ્યું કે, આતંકીઓએ વિસ્ફોટકોથી ભરેલા જેકેટ પહેર્યા હતા. ઘણા આતંકવાદીઓએ પોતાની જાતને ઉડાવી દીધી હતી.

ઈરાનના સમાચાર અનુસાર, પહેલા હુમલામાં આતંકવાદીઓએ ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સના સૈન્ય મથકો પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેની પાસે ઈરાનની સરહદોની સુરક્ષાની જવાબદારી છે. ઈરાન પર આ હુમલો ત્યારે કરવામાં આવ્યો છે, જ્યારે ઈઝરાયલ સાથે તેનો તણાવ વધી ગયો છે. સીરિયાની રાજધાની દમાસ્કસમાં ઈરાની દૂતાવાસ પર સોમવારે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ત્રણ વરિષ્ઠ ઈરાની કમાન્ડર સહિત ચાર અધિકારીઓ માર્યા ગયા હતા. ઈરાને જવાબી કાર્યવાહી કરવાની પ્રતિજ્ઞા લીધી છે.