January 1, 2025

વિરાટે સિક્સરની બાબતમાં બનાવ્યો રેકોર્ડ, KKR સામે IPLની 52મી અડધી સદી ફટકારી

IPL 2024 RCB vs KKR: કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમાઈ રહેલી મેચમાં RCBના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. કોહલી RCB માટે સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બની ગયો છે. આ મામલે તેણે ક્રિસ ગેલ (239) અને એબી ડી વિલિયર્સ (238)ને પાછળ છોડી દીધા છે. કોહલીએ પોતાના નામે 241* સિક્સર નોંધાવી છે. તેણે ત્રણ સિક્સર ફટકારીને આ સિદ્ધિ મેળવી હતી. આ મેચમાં વિરાટ કોહલી મજબૂત ફોર્મમાં જોવા મળી રહ્યો છે. કોહલીએ આઈપીએલમાં તેની 52મી અડધી સદી ફટકારી છે. તેણે 36 બોલમાં 50 રન પૂરા કર્યા. આ સાથે જ કોલકાતા સામે તેણે 83 રનની અણનમ ઇનિંગ રમી હતી.

આ પણ વાંચો: એક વર્ષ પછી વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર આમનેસામને

વિરાટના નામે સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ
IPLમાં કોઈપણ એક ટીમ માટે સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ RCBના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના નામે નોંધાયેલો છે. આ પહેલા આ રેકોર્ડ પૂર્વ આરસીબી ઓપનર ક્રિસ ગેલના નામે હતો. ગેલે RCB માટે 85 મેચ રમી અને આ દરમિયાન તેણે 239 સિક્સર ફટકારી હતી. જો કે વિરાટ કોહલીએ 240 મેચમાં 240 સિક્સર ફટકારી છે. ગેઈલ હવે બીજા સ્થાને પહોંચી ગયો છે. ત્રીજા નંબર પર એબી ડી વિલિયર્સનું નામ છે, જેમણે RCB માટે 156 મેચમાં 238 સિક્સર ફટકારી હતી.

આઈપીએલના ઈતિહાસમાં માત્ર છ ખેલાડી એવા છે જેમણે આ ટુર્નામેન્ટમાં કોઈપણ એક ટીમ માટે 200થી વધુ સિક્સર ફટકારી હોય.આ યાદીમાં માત્ર ગેલ, ડી વિલિયર્સ, કોહલી, કિરોન પોલાર્ડ, રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોનીનો સમાવેશ થાય છે. આ સાથે જ કોહલીએ કોલકાતા સામે ત્રણ સિક્સર ફટકારીને ઈતિહાસ રચ્યો છે. કોહલી વિશ્વનો એકમાત્ર એવો બેટ્સમેન બની ગયો છે જેણે એક ટીમ તરફથી રમતા 240 સિક્સર ફટકારી હોય. બીજી બાજુ રસેલ 2014થી KKR સાથે સંકળાયેલો છે અને જો તે શુક્રવારે RCB સામે ત્રણ છગ્ગા ફટકારે છે, તો રસેલ આ એલિટ લિસ્ટમાં સામેલ થનાર સાતમો બેટ્સમેન હશે. રસેલે KKR માટે 106 IPL મેચોમાં 197 સિક્સર ફટકારી છે.