June 30, 2024

International Yoga Day: અમેરિકન્સ થયા યોગમય, પ્રાર્થના-શાસ્ત્રીય નૃત્ય સાથે શરૂઆત

International Yoga Day: આવતીકાલે વિશ્વભરમાં 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે અમેરિકામાં આજેથી જ લોકો યોગમય થયેલા જોવા મળ્યા. વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસ તરફથી બુધવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં અનેક અમેરિકન્સ અને પ્રવાસી ભારતીયોએ ભાગ લીધો હતો. યોગ અને ધ્યાન સેશનમાં જુદા જુદા સમુદાયના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં અમેરિકામાં ભારતના ડેપ્યુટી એમ્બેસેડર શ્રીપ્રિયા રંગનાથને સંબોધન કર્યું હતું.

પોટોમેક નદીના યોજાયો ખાસ કાર્યક્રમ

ભારતીય દૂતાવાસ દ્વારા પોટોમેક નદીના કિનારે પીકચરક્યૂ અને સેરેન ઘાટ ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને ભારતીય શાસ્ત્રીય નૃત્ય સાથે થઈ હતી. યોગ સેશનમાં લોકોને ભારતના ભવ્ય ઇતિહાસનો પરિચય કરાવવામાં આવ્યો હતો. તેના માધ્યમથી લોકોને ભારતની એકતા અને સદભાવનાનો પરિચય કરાવવામાં આવ્યો હતો.

આ વર્ષની થીમ ‘સ્વયં અને સમાજ માટે યોગ’

દર વર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની થીમ ‘સ્વયં અને સમાજ માટે યોગ’ થીમ સાથે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. કાર્યક્રમમાં રંગનાથને સંબોધન કરતાં કહ્યું હતું કે યોગ સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે સદભાવના અને સંતુલન જાળવી રાખવાનો માર્ગ દર્શાવે છે. એટલે જે 11 ડિસેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 21 જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે.

સમગ્ર દુનિયામાં યોગાભ્યાસની બોલબાલા

અમેરિકામાં ભારતના ડેપ્યુટી એમ્બેસેડર શ્રીપ્રિયા રંગનાથને વધુમાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે ડ્રાફ્ટ રિઝોલ્યુશન ભારત તરફથી રજૂ કરવામાં આવ્યું હતું. રેકોર્ડ 175 દેશોના સભ્યોએ તેનું સમર્થન કર્યું હતું. સિંધુ ઘાટી સભ્યતાથી શરૂ થયેલ યોગની આજે દુનિયાભરમાં બોલબાલા છે. લગભગ 5000 વર્ષ પછી પણ દુનિયભરમાં કરોડો લોકો યોગાભ્યાસ કરે છે. કાર્યક્રમમાં દૈનિક જીવનમાં બાજરી, ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ અને પ્રથાઓને સામેલ કરવાને લઈને ચર્ચા કરવામાં આવી હતી.