January 10, 2025

આફ્રિકામાં ભારતીય મૂળની મહિલાની ધરપકડ, આ રીતે લોકોને લગાવ્યો લાખો રૂપિયાનો ચૂનો

Africa: દક્ષિણ આફ્રિકામાં ભારતીય મૂળની 53 વર્ષીય મહિલાની છેતરપિંડીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. વ્યવસાયે વકીલ, મહિલાએ દેશભરના 17 યુગલોને નકલી સ્થળો બતાવીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો આરોપ છે. હવે એક ખાનગી સુરક્ષા કંપનીએ મહિલાને શોધી કાઢી અને તેની ધરપકડ કરવામાં આવી છે. જોકે, પકડાયા બાદ તેણે પીડિતોને બધા પૈસા પરત કરવાનું વચન આપ્યું છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં એક દંપતીએ મોહનલાલને ટ્રેક કરવા માટે એક કંપનીનો સંપર્ક કર્યો હતો. કંપનીને બાદમાં સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું કે કુલ 17 યુગલો આ રીતે છેતરાયા હતા.

દક્ષિણ આફ્રિકાની સુરક્ષા કંપની રિએક્શન યુનિટ સાઉથ આફ્રિકા (RUSA) એ તેના ફેસબુક પેજ પર જણાવ્યું હતું કે મહિલાનું નામ પ્રેલિન મોહનલાલ છે. પ્રેલિને એવા પ્રેમી યુગલોની શોધખોળ કરી હતી જેઓ લગ્ન સ્થળ શોધી રહ્યા હતા. આ દરમિયાન, તેણે તેમને એક જગ્યા વિશે કહ્યું અને પૈસા ચૂકવવા માટે રાજી કર્યા, જોકે મહિલાનો તે જગ્યા સાથે કોઈ સંબંધ નહોતો. જ્યારે દંપતી તે સ્થળે પહોંચ્યા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. યુગલોને ખબર પડી કે તેમને મૂર્ખ બનાવવામાં આવ્યા હતા અને પાણી કે વીજળી વગરના નિર્જન સ્થળે મોકલી દેવામાં આવ્યા હતા.

કંપનીએ જણાવ્યું હતું કે પ્રેલિને અધિકારીઓને કહ્યું હતું કે તે એક વકીલ છે જેને ક્લાયન્ટના ટ્રસ્ટ ફંડ ખાતામાંથી પૈસા ચોરી કર્યા બાદ લો સોસાયટી દ્વારા બરતરફ કરવામાં આવી હતી. બાદમાં જાણવા મળ્યું કે આરોપી મહિલાનો ગુનાહિત રેકોર્ડ હતો અને તે 20 વર્ષથી વધુ સમયથી લોકો સાથે છેતરપિંડી કરી રહી હતી. મહિલાએ આરોપોને નકારી કાઢ્યા છે. તેણે કહ્યું છે કે તે ટૂંક સમયમાં બધા યુગલોને પૈસા પરત કરશે.