October 5, 2024

નવી બ્રિટિશ સરકારમાં મંત્રી બન્યા ભારતવંશી લિસા નંદી, ભારત સાથે છે ખાસ સંબંધ

Lisa Nandy: બ્રિટનની સામાન્ય ચૂંટણીના પરિણામોમાં ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. લેબર પાર્ટી 14 વર્ષ બાદ સત્તામાં આવી છે. કીર સ્ટાર્મર દેશના નવા પ્રધાનમંત્રી બન્યા છે. સ્ટાર્મરની નવી કેબિનેટમાં ભારતીય મૂળના લિસા નંદીને પણ સામેલ કરવામાં આવ્યા છે. આ ચૂંટણીમાં કુલ 29 ભારતીય મૂળના સાંસદો ચૂંટાઈ આવ્યા છે.

હાઉસ ઓફ કૉમન્સમાં લેબર પાર્ટીએ જીતી 400થી વધુ બેઠકો
તાજેતરમાં સંપન્ન થયેલ સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીએ જીત મેળવીને 14 વર્ષ પછી સત્તામાં પરત આવી છે. લેબર પાર્ટીએ 650 બેઠકો ધરાવતા હાઉસ ઓફ કૉમન્સમાં 412 બેઠકો જીતીને બહુમતી મેળવી છે. પૂર્વ પ્રધાનમંત્રી ઋષિ સુનકની આગેવાની વાળી કન્ઝર્વેટિવ પાર્ટી 118 સીટો પર જ સમેટાઇ ગઈ હતી. તો, લિબરલ ડેમોક્રેટ્સ પાર્ટીએ 71 બેઠકો જીતી હતી. સુનકે 23,059 મતો સાથે ઉત્તરી ઈંગ્લેન્ડમાં પોતાની બેઠક જીતી લીધી હતી. 2019ની સામાન્ય ચૂંટણીમાં, બોરિસ જોન્સનના નેતૃત્વમાં કન્ઝર્વેટિવ પાર્ટીએ 365 બેઠકો જીતી હતી. જ્યારે લેબર પાર્ટીને 202 બેઠકો મળી હતી. બ્રિટનની જનતાએ 14 વર્ષની કન્ઝર્વેટિવ પાર્ટીની સત્તાને ખતમ કરીને કીર સ્ટાર્મરને નવા પ્રધાનમંત્રી ચૂંટી કાઢ્યા. પરિણામો આવ્યા બાદ નવા કેબિનેટની રચના પણ કરી દેવામાં આવી. જેમાં ભારતીય મૂળના સાંસદ લિસા નંદીને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે.

જાણો કોણ છે ભારતવંશી લિસા નંદી?
44 વર્ષીય લિસા નંદીને નવી લેબર સરકારમાં સંસ્કૃતિ, મીડિયા અને રમતગમતના રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. તે વિગનથી સાંસદ તરીકે ચૂંટાયા છે. વિગન સંસદીય બેઠક માટે લેબર પાર્ટીના ઉમેદવાર તરીકે લીસા નંદી પાંચમી વખત ચૂંટાઈ આવ્યા છે.

લિસા નંદીના પિતા દિપકનો કોલકાતા સાથે જૂનો સંબંધ
લિસા નંદીનો જન્મ માન્ચેસ્ટરમાં લુઈસ અને દીપક નંદીના ઘરે થયો હતો. કોલકાતામાં જન્મેલા લિસા નંદીના પિતા દીપક નંદી ભારતીય મૂળના કાર્યકર અને શિક્ષણવિદ હતા. લિસા નંદીએ પાર્સન્સ વૂડ હાઈસ્કૂલ અને હોલી ક્રોસ કોલેજમાં શિક્ષણ મેળવ્યું હતું. નંદીએ ત્યારબાદ ન્યૂકેસલ યુનિવર્સિટીમાં રાજકારણનો અભ્યાસ કર્યો. ન્યૂકેસલ યુનિવર્સિટીમાં તેમની પ્રથમ ડિગ્રી લીધા પછી તેમણે 2003 માં લંડન યુનિવર્સિટીની બિર્કબેક કોલેજમાં પબ્લિક પોલિસીનો અભ્યાસ કર્યો. અભ્યાસ કર્યા પછી તેમણે વોલ્થમસ્ટોના સાંસદ નીલ ગેરાર્ડના સહાયક તરીકે કામ કર્યું. ગેરાર્ડ નિરાશ્રિતો માટે કામ કરતી ચેરિટી સેન્ટરપોઇન્ટ માટે શોધકર્તા તરીકે કામ કરતાં હતા. લિસાએ એન્ડી કોલિસ સાથે લગ્ન કર્યા છે જે પીઆર કન્સલ્ટન્ટ છે.