January 20, 2025

ખો-ખો વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમ બાદ પુરૂષ ટીમે પણ ટાઇટલ જીત્યું, ફાઇનલમાં નેપાળને હરાવ્યું

ખો-ખો વર્લ્ડ કપ 2025 ફાઇનલ: ખો-ખોનો પહેલો વર્લ્ડ કપ દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં રમાયો હતો. આ ટુર્નામેન્ટમાં ભારતીય મહિલા અને પુરૂષ ટીમ તરફથી જોરદાર રમત જોવા મળી હતી. ભારતીય મહિલા ટીમે નેપાળને હરાવીને ટાઈટલ જીત્યું હતું. ત્યારે ભારતીય પુરુષ ટીમે પણ ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું. મેન્સ ખો-ખો વર્લ્ડ કપની ફાઈનલ મેચ ભારત અને નેપાળની ટીમ વચ્ચે રમાઈ હતી. ટુર્નામેન્ટની પ્રથમ મેચ પણ આ બંને ટીમ વચ્ચે રમાઈ હતી. ત્યાર બાદ ટીમ ઈન્ડિયા જીતી ગઈ હતી. ફાઇનલમાં પણ એવું જ થયું, ભારતીય ટીમે નેપાળને હરાવી ટ્રોફી જીતી.

આ પણ વાંચો: ખો-ખો વર્લ્ડ કપમાં નેપાળને હરાવીને ભારતીય મહિલા ટીમનો ભવ્ય વિજય, ડાંગની ઓપિના ભિલારેનું શ્રેષ્ઠ પ્રદર્શન

ભારતીય ટીમે ફાઇનલ મેચ એકતરફી રીતે જીતી
ભારતીય ટીમે આ મેચમાં નેપાળને 54-36ના અંતરથી હરાવ્યું હતું. ફાઈનલ મેચમાં નેપાળની ટીમ ટોસ જીતી બચાવ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ભારતીય ટીમે જોરદાર શરૂઆત કરી હતી. ટર્ન 1માં ભારતીય ટીમે કુલ 26 પોઈન્ટ બનાવ્યા. તે જ સમયે, ટર્ન 2માં નેપાળની ટીમ 18 પોઈન્ટ બનાવવામાં સફળ રહી, જેના કારણે ભારતીય ટીમે 8 પોઈન્ટની લીડ મેળવી. આ પછી ટર્ન 3માં ટીમ ઈન્ડિયાએ 54 પોઈન્ટના આંકડાને સ્પર્શ કર્યો અને 26 પોઈન્ટની લીડ લીધી. નેપાળ છેલ્લા ટર્નમાં 8 પોઈન્ટ બનાવી શક્યું, જેના કારણે ભારતીય ટીમ એકતરફી રીતે જીતી ગઈ.

ભારતીય પુરુષ ટીમ અજેય રહી
મેન્સ ખો-ખો વર્લ્ડ કપમાં કુલ 20 ટીમોએ ભાગ લીધો હતો. આ દરમિયાન ભારતીય પુરુષ ટીમ ગ્રુપ Aમાં નેપાળ, પેરુ, બ્રાઝિલ અને ભૂતાન સાથે હતી. ગ્રુપ સ્ટેજમાં ટીમ ઈન્ડિયા તરફથી જોરદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. તે દરેક મેચ જીતવામાં સફળ રહી હતી. ભારતીય ટીમે નેપાળને 42-37થી હરાવીને ટુર્નામેન્ટની શરૂઆત કરી હતી. આ પછી બ્રાઝિલનો 64-34થી પરાજય થયો હતો. આ સાથે પેરુ સામે 70-38થી જીત મેળવી હતી. ત્યાર બાદ ભૂતાનનો પણ 71-34થી પરાજય થયો હતો.

આ સાથે જ નોકઆઉટ મેચોમાં પણ ટીમ ઈન્ડિયાએ એકતરફી જીત મેળવી હતી. તેણે ક્વાર્ટર ફાઇનલમાં શ્રીલંકાને 100-40ના માર્જિનથી હરાવ્યું હતું. આ પછી સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે 60-18થી જીત મેળવી હતી. આ જોરદાર પ્રદર્શનના કારણે ભારતીય પુરુષ ટીમે ફાઇનલમાં જગ્યા બનાવી હતી.