June 28, 2024

US: ટેક્સાસમાં વધુ એક ભારતીય નાગરિકનું ફાયરિંગમાં મોત, 8 મહિના પહેલા ગયો હતો અમેરિકા

US: અમેરિકાના ટેક્સાસના એક સ્ટોરમાં લૂટ દરમિયાન એક 32 વર્ષીય ભારતીયની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એટલે કે 21 જૂનના રોજ પ્લેઝન્ટ ગ્રોવ, ડલાસમાં ગેસ સ્ટેશન સુવિધા સ્ટોરમાં બની હતી. કોન્સ્યુલ જનરલ ડીસી મંજુનાથે આ ઘટનાની પુષ્ટિ કરી છે. મૃતકની ઓળખ દશારી ગોપીકૃષ્ણ તરીકે થઈ છે, જે આંધ્રપ્રદેશનો રહેવાસી હતો. તે આઠ મહિના પહેલા જ અમેરિકા આવ્યો હતો.

ગોપીકૃષ્ણના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા મંજુનાથે કહ્યું, “ભારતીય નાગરિક દાસારી ગોપીકૃષ્ણના નિધન અંગે જાણીને દુઃખ થયું. પ્લેઝન્ટ ગ્રોવમાં લૂંટ દરમિયાન તેમને ગોળી વાગી હતી. અમે તેમના સ્થાનિક પરિવારના સભ્યોના સંપર્કમાં છીએ.”

કોન્સ્યુલેટ, ભારતીય સંગઠનો સાથે મળીને પોસ્ટમોર્ટમ અને મૃત્યુ પ્રમાણપત્ર સહિત સ્થાનિક ઔપચારિકતાઓ પછી મૃતદેહને ભારત પરત મોકલવા માટે તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે. લૂંટ દરમિયાન ગોળીબાર થતાં ગોપીકૃષ્ણને ગંભીર ઇજાઓ થઈ હતી. તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. રવિવારે સવારે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ગોપીકૃષ્ણ તેની પત્ની અને પુત્ર સાથે રહેતા હતા. ટેક્સાસમાં બનેલી આ ઘટનાએ ડલાસમાં રહેતા હિન્દુ સમુદાયને ઊંડી અસર કરી હતી.