November 24, 2024

ભારતવંશી ઉદ્યોગપતિને 8300 કરોડની છેતરપિંડી કરવા બદલ સાડા 7 વર્ષની સજા

USA: અમેરિકાની એક કોર્ટે આઉટકમ હેલ્થના પૂર્વ કરોડપતિ અને કો-ફાઉન્ડર ભારતીય મૂળના અમેરિકન ઉદ્યોગપતિ ઋષિ શાહને સાડા સાત વર્ષની જેલની સજા ફટકારી છે. શાહ અને તેમના નજીકના લોકો પર 8300 કરોડ રૂપિયા એટલે કે લગભગ એક અરબ ડોલરની છેતરપિંડી કરવાનો આરોપ છે. તેમની છેતરપિંડીથી ગોલ્ડમેન સૅક્સ ગ્રુપ, ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ અને ઇલિનોઇસના ગવર્નર જેબી પ્રિટ્ઝકરની વેન્ચર કેપિટલ ફર્મ જેવા ઉચ્ચ પ્રોફાઇલ રોકાણકારોને હચમચાવી દીધા છે. યુએસ ડિસ્ટ્રિક્ટ જજ થોમસ ડર્કિને પોતાના ચુકાદામાં આ કેસને સૌથી મોટા કોર્પોરેટ છેતરપિંડીના કેસોમાંથી એક ગણાવ્યો છે.

શિકાગો ખાતે આવેલ હેલ્થ ટેક્નોલોજી સ્ટાર્ટ-અપ કંપનીના પૂર્વ અધિકારીઓ અને બે ભારતીય મૂળના લોકોને કંપનીના ગ્રાહકો, ધિરાણકર્તાઓ અને રોકાણકારોને કથિત રીતે ટાર્ગેટ કરતી ફ્રોડ સ્કીમમાં તેમની સંડોવણી બદલ સજા ફટકારવામાં આવી છે. અમેરિકન લૉ ડીપાર્ટમેન્ટ મુજબ, છેતરપિંડી દ્વારા મેળવેલા નાણાંમાં અંદાજે 1 બિલિયન ડોલર એટલે કે અંદાજિત રૂ. 8300 કરોડ રૂપિયા સામેલ છે. આરોપીઓની ઓળખ આઉટકમના કો-ફાઉન્ડર અને પૂર્વ CEO 38 વર્ષીય ઋષિ શાહ અને આઉટકમના કો-ફાઉન્ડર પૂર્વ પ્રમુખ 38 વર્ષીય શ્રદ્ધા અગ્રવાલ તરીકે થઈ છે.

એક અહેવાલ મુજબ, આઉટકમ હેલ્થ એ તેમની યુનિવર્સિટીના દિવસોમાં શાહના મગજની ઉપજ હતી. મૂળ રૂપે કોન્ટેકસ્ટ મીડિયા હેલ્થ તરીકે ઓળખાતી, કંપનીની સ્થાપના 2006 માં દર્દીઓને લક્ષિત આરોગ્ય જાહેરાતો સ્ટ્રીમ કરવા માટે ડોકટરોની ઓફિસમાં ટીવી સ્થાપિત કરીને તબીબી જાહેરાતો માટે કરવામાં આવી હતી.

ફરિયાદીઓએ જણાવ્યું હતું કે ઋષિ શાહ અને શ્રદ્ધા અગ્રવાલે પોતાના અન્ય સહયોગી, ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર બ્રાડ પર્ડી સાથે કંપનીની કામગીરી અને નાણાકીય સ્વાસ્થ્યને ખોટી રીતે રજૂ કરીને રોકાણકારો, ગ્રાહકો અને ધિરાણકર્તાઓ સામે મોટા પાયે છેતરપિંડીની યોજનામાં સામેલ હતા.