સંરક્ષણ ક્ષેત્રે ભારતની સૌથી મોટી ડીલ, ભારતીય સેનાને મળશે 156 ‘પ્રચંડ’ હેલિકોપ્ટર

Prachand Helicopters: ભારતે 156 મેડ ઈન ઈન્ડિયા LCH ‘પ્રચંડ હેલિકોપ્ટર’ ખરીદવા માટે અત્યાર સુધીના સૌથી મોટા સંરક્ષણ સોદાને મંજૂરી આપી છે. સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની આજે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સંરક્ષણ મંત્રાલયે આ નાણાકીય વર્ષમાં રૂ.2.09 લાખ કરોડથી વધુના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. માહિતી આપતા સંરક્ષણ અધિકારીએ કહ્યું કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) માટે આ અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર હશે. આ હેલિકોપ્ટર કર્ણાટકના બેંગલુરુ અને તુમકુર ખાતેના તેમના પ્લાન્ટમાં બનાવવામાં આવશે. નોંધનીય છે કે, ભારતે પોતાની લશ્કરી શક્તિને વધુ મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું ભર્યું છે. હકીકતમાં, આ સોદો આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા અને સેના અને વાયુસેનાની તાકાત વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
BREAKING | Cabinet Committee on Security (CCS) has cleared the acquition of 156 Light Combat Helicopter PRACHAND for Indian Army and Indian Air Force. pic.twitter.com/CiT9IQ50K0
— Alpha Defense™ (@alpha_defense) March 28, 2025
‘પ્રચંડ’ ઊંચાઈ પર તૈનાત કરવામાં સક્ષમ
- પ્રચંડ વિશ્વનું એકમાત્ર એટેક હેલિકોપ્ટર છે જે 16,400 ફૂટ (5,000 મીટર)ની ઊંચાઈએ ઉડી શકે છે.
- પ્રચંડને મુખ્યત્વે સિયાચીન, લદ્દાખ અને અરુણાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં તૈનાત કરવા માટે બનાવવામાં આવ્યા છે.
- ઊંચાઈવાળા વિસ્તારોમાં તૈનાત કરવા માટે આદર્શ છે. હવાથી જમીન અને હવાથી હવામાં હુમલો કરવા સક્ષમ, મિસાઇલોથી સજ્જ, દુશ્મનની હવાઈ સંરક્ષણનો નાશ કરી શકે છે.
- પ્રચંડ વિવિધ પ્રકારની હવાથી જમીન અને હવાથી હવામાં પ્રહાર કરવા માટે સક્ષમ છે અને દુશ્મનની હવાઈ સંરક્ષણ પ્રણાલીને નષ્ટ કરી શકે છે.
- પ્રચંડ હેલિકોપ્ટરને આર્મીમાં સામેલ કરવાથી ભારતીય વાયુસેનાના એટેક હેલિકોપ્ટર કાફલામાં વિવિધતા આવશે.
- આ હેલિકોપ્ટર મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત પહેલ હેઠળ બનાવવામાં આવ્યું છે.
આત્મનિર્ભર ભારતને તાકાત મળશેનોંધનીય છે કે, સરકારે ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા માટે આ સોદો કર્યો છે. 83 લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA)નો સૌથી મોટો ઓર્ડર પહેલેથી જ આપવામાં આવ્યો છે. 97 વધુ LCA ઓર્ડર કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. 307 ATAGS હોવિત્ઝર તોપોની ખરીદીને પણ તાજેતરમાં કેબિનેટની મંજૂરી મળી છે.