‘બોલતા પહેલા વિચારો, આ સહન નહીં થાય’, મોહમ્મદ યુનુસના સલાહકારને ભારતની ફટકાર

Bangladesh Hindu Attacked: બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સહયોગી મહફુઝ આલમની વિવાદાસ્પદ ટિપ્પણીઓ પર ભારતે સખત વિરોધ નોંધાવ્યો હતો. આલમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર એક પોસ્ટમાં કહ્યું હતું કે ભારતે તે બળવાને માન્યતા આપવી જોઈએ જેણે તત્કાલીન વડા પ્રધાન શેખ હસીનાને રાજીનામું આપવાની ફરજ પડી હતી. આ પોસ્ટમાં તેણે હસીના સરકારના પતન અંગે ભારત પર ટિપ્પણી કરી હતી. આ સાથે પોસ્ટમાં પશ્ચિમ બંગાળ, આસામ અને ત્રિપુરાને પણ બાંગ્લાદેશના ભાગ તરીકે ગણાવ્યા હતા.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, ‘અમે આ મુદ્દે બાંગ્લાદેશ સમક્ષ અમારો સખત વિરોધ નોંધાવ્યો છે. અમને જાણવા મળ્યું છે કે વિવાદિત પોસ્ટ કથિત રીતે દૂર કરવામાં આવી છે. અમે તમામ સંબંધિત પક્ષોને તેમની જાહેર ટિપ્પણીઓનું ધ્યાન રાખવાનું યાદ અપાવવા માંગીએ છીએ. જયસ્વાલે કહ્યું કે ભારતે બાંગ્લાદેશની જનતા અને વચગાળાની સરકાર સાથે સંબંધોને આગળ વધારવામાં વારંવાર રસ દાખવ્યો છે. આવી ટિપ્પણીઓ જાહેરમાં બોલતી વખતે જવાબદારીની જરૂરિયાતને પ્રકાશિત કરે છે.

લઘુમતીઓ સામે હિંસાના 2,200 કેસ
મહફૂઝ આલમે ફેસબુક પર પોતાની પોસ્ટમાં દાવો કર્યો હતો કે તેમનું સપનું સમગ્ર બંગાળ માટે છે. તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાનની રાજનીતિના કારણે બંગાળના ટુકડા થયા. તેણે પોસ્ટમાં લખ્યું છે કે વિજય પ્રાપ્ત થયો છે. પરંતુ સંપૂર્ણ મુક્તિ હજુ દૂર છે. બીજી બાજુ, સરકારે શુક્રવારે કહ્યું કે બાંગ્લાદેશમાં આ વર્ષે 8 ડિસેમ્બર સુધી હિંદુઓ અને અન્ય લઘુમતીઓ વિરુદ્ધ હિંસાના કુલ 2,200 કેસ નોંધાયા છે. ભારતને આશા છે કે ઢાકા તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં લેશે. વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે લઘુમતી અને માનવાધિકાર સંગઠનોના ડેટાને ટાંકીને લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં આ વર્ષે ઓક્ટોબર સુધી હિંદુઓ અને અન્ય લઘુમતીઓ વિરુદ્ધ હિંસાના કેસોની સંખ્યા 112 હતી.