આતંકવાદની ફેક્ટરી બંઘ કરો, આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતે પાકિસ્તાનને ઝાટક્યું
દિલ્હી: ભારતે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનને ફટકાર લગાવી છે. ઈન્ટર-પાર્લામેન્ટરી યુનિયન (આઈપીયુ)માં પાકિસ્તાન પર નિશાન સાધતા ભારતે કહ્યું કે આટલો નબળો માનવાધિકાર રેકોર્ડ હોવા છતાં જમ્મુ અને કાશ્મીર પર આ પ્રકારની જાણકારી આપવી હાસ્યાસ્પદ છે. સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા ખાતે IPUની 148મી કોન્ફરન્સ દરમિયાન પાકિસ્તાન સામે જવાબ આપવાના પોતાના અધિકારનો ઉપયોગ કરતા રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશો હંમેશા ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો છે અને રહેશે. તેમણે કહ્યું, ‘કોઈપણ વ્યક્તિ દ્વારા કરવામાં આવતી રેટરિક અને પ્રચાર આ હકીકતને નકારી શકે નહીં.’
તેણે કહ્યું, ‘વૈશ્વિક આતંકવાદનો ચહેરો ઓસામા બિન લાદેન પાકિસ્તાનમાં મળી આવ્યો હતો. ‘યુએન સિક્યુરિટી કાઉન્સિલ દ્વારા પ્રતિબંધિત આતંકવાદીઓની સૌથી મોટી સંખ્યામાંના એકને આશ્રય આપવાનો પાકિસ્તાનનો શરમજનક રેકોર્ડ છે.’ હરિવંશે આશા વ્યક્ત કરી કે ઇસ્લામાબાદ તેના લોકોની સુખાકારી માટે યોગ્ય પાઠ શીખશે. હરિવંશ IPU ખાતે ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે.
આ પણ વાંચો: પાકિસ્તાન નહીં બનાવે આવી મિસાઈલ, ભારતની અગ્નિ-5 જોઇ પાક. લાલઘૂમ
હરિવંશે કહ્યું કે યુએન દ્વારા જાહેર કરાયેલા સૌથી વધુ આતંકવાદીઓ પાકિસ્તાનમાં રહે છે. તમને જણાવી દઈએ કે ભારત પાકિસ્તાનને ઘણી વખત આંતરરાષ્ટ્રીય મંચો પર શરમાવી ચૂક્યું છે. ગયા મહિને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદની 55મી કોન્ફરન્સ દરમિયાન ભારતના ફર્સ્ટ સેક્રેટરી અનુપમા સિંહે પાકિસ્તાનને અરીસો બતાવ્યો હતો. પોતાના ભાષણમાં તેમણે પાકિસ્તાનમાં માનવાધિકારની સ્થિતિને ઉજાગર કરી હતી.
તેમણે કહ્યું હતું કે, જેના હાથ પહેલાથી જ લોહીથી રંગાયેલા છે અને આતંકવાદ માટે કુખ્યાત છે તેવા દેશ માટે ભાષણ આપવું સારું નથી લાગતું. તેમણે કહ્યું હતું કે, તે દેશના લોકો પણ સરકારને શ્રાપ આપે છે અને કહે છે કે આતંકવાદીઓને પોષવાની પ્રક્રિયામાં તે સામાન્ય લોકોના કલ્યાણને ભૂલી ગઈ છે. તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન વારંવાર આંતરરાષ્ટ્રીય મંચોમાં માનવાધિકારના બહાને કાશ્મીરનો ઉલ્લેખ કરવાનો પ્રયાસ કરે છે. જોકે, દરેક વખતે તેને યોગ્ય જવાબ આપવામાં આવે છે. ભારત આતંકવાદને લઈને અરીસો બતાવવામાં કોઈ કસર છોડતું નથી.