VIDEO: ભારતને મળી નવી કાઉન્ટર ડ્રોન સિસ્ટમ ‘ભાર્ગવાસ્ત્ર’, ઓડિશામાં સફળ પરીક્ષણ

Counter Swarm Drone System: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યા પછી, પાકિસ્તાન તરફથી ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને હુમલા કરવામાં આવ્યા હતા. ભારતીય સેનાએ પ્રેસ કોન્ફરન્સમાં એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાન દ્વારા પશ્ચિમી સરહદ પર હુમલો કરવા માટે લગભગ 400 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારતે તમામ હુમલાને નિષ્ફળ બનાવ્યા હતા. આજે ભારતે ઓડિશાના ગોપાલપુરમાં તેની સ્વદેશી એન્ટિ-ડ્રોન સિસ્ટમ ‘ભાર્ગવસ્ત્ર’નું સફળ પરીક્ષણ કર્યું. SADLએ કાઉન્ટર ડ્રોન સિસ્ટમ ‘ભાર્ગવસ્ત્ર’નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે જે એકસાથે અનેક ડ્રોન પર પ્રહાર કરવા સક્ષમ છે.

તમામ માપદંડો પર પરીક્ષણ સફળ રહ્યું હતું
આ કાઉન્ટર-ડ્રોન સિસ્ટમમાં ઉપયોગમાં લેવાતા માઇક્રો રોકેટનું ગોપાલપુરના સીવર્ડ ફાયરિંગ રેન્જમાં વ્યાપક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પરીક્ષણ દરમિયાન તેણે બધા નિર્ધારિત ઉદ્દેશ્યો પ્રાપ્ત કર્યા. 13 મે 2025ના રોજ ગોપાલપુર ખાતે આર્મી એર ડિફેન્સના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં રોકેટના ત્રણ ટ્રાયલ કરવામાં આવ્યા હતા. એક-એક રોકેટ ફાયર કરીને બે પરીક્ષણો કરવામાં આવ્યા હતા. 2 સેકન્ડની અંદર સાલ્વો મોડમાં બે રોકેટ ફાયર કરીને પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ચારેય રોકેટોએ અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું અને મોટા પાયે ડ્રોન હુમલાઓને ઘટાડવામાં સફળ રહ્યા.

જાણો તેની ખાસિયત

  • ભારતીય સંરક્ષણ કંપની સોલર ડિફેન્સ એન્ડ એરોસ્પેસ લિમિટેડ (SDAL)એ ભાર્ગવસ્ત્ર ડિઝાઇન અને વિકસાવ્યું છે, જે એક એન્ટી-ડ્રોન સિસ્ટમ છે જેને હાર્ડ કિલ મોડમાં ફાયર કરી શકાય છે.
  • તેની વિશેષતા એ છે કે ભાર્ગવસ્ત્ર 6 કિલોમીટર કે તેથી વધુ અંતરે ડ્રોન સ્વોર્મ્સને શોધી શકે છે અને તેમના હુમલાને નિષ્ક્રિય કરી શકે છે.
  • તે માનવરહિત હવાઈ વાહનોના જોખમોનો અસરકારક રીતે સામનો કરી શકે છે.
  • 2.5 કિમી સુધીના અંતરે આવતા નાના ડ્રોનને શોધીને નષ્ટ કરવાની ક્ષમતાથી સજ્જ.
  • ભાર્ગવસ્ત્ર એ માઇક્રો મિસાઇલ આધારિત ડિફેન્સ સિસ્ટમ છે. આ માત્ર ભારતમાં જ વિકસાવવામાં આવ્યું છે. તેને ડ્રોન હુમલાનો સામનો કરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે.
  • તે મલ્ટી કાઉન્ટર ડ્રોન સિસ્ટમ છે, જેમાં સંરક્ષણના પ્રથમ સ્તર તરીકે અનગાઇડેડ માઇક્રો રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે 20 મીટરના ઘાતક ત્રિજ્યાવાળા ડ્રોનના ટોળાને નિષ્ક્રિય કરી શકે છે.
  • ભાર્ગવસ્ત્ર અદ્યતન C4I (કમાન્ડ, કંટ્રોલ, કોમ્યુનિકેશન્સ, કમ્પ્યુટર્સ અને ઇન્ટેલિજન્સ) સુવિધાઓ સાથે એક અત્યાધુનિક કમાન્ડ-એન્ડ-કંટ્રોલ સેન્ટરથી સજ્જ છે.
  • આ સિસ્ટમનું રડાર 6 થી 10 કિમીના અંતરે હવાના જોખમોને મિનિટોમાં શોધી શકે છે અને થોડી સેકંડમાં તેને નિષ્ક્રિય કરી શકે છે.

તેનું નામ ભાર્ગવસ્ત્ર કેવી રીતે પડ્યું?
ભાર્ગવસ્ત્ર નામ ભગવાન પરશુરામના શસ્ત્ર પરથી પડ્યું છે. પરશુરામના શસ્ત્રનું નામ ભાર્ગવ અસ્ત્ર હતું, તે ખૂબ જ શક્તિશાળી શસ્ત્ર હતું. ભવિષ્યના યુદ્ધોમાં આવા શસ્ત્રો અત્યંત ઉપયોગી સાબિત થશે. તેની ઘાતક ક્ષમતાને ધ્યાનમાં રાખીને, તેનું નામ ભગવાન પરશુરામના શસ્ત્રના નામ પરથી રાખવામાં આવ્યું છે.