ભારતના પૂર્વ PM મનમોહન સિંહની તબિયત લથડી, એઇમ્સમાં દાખલ
નવી દિલ્હીઃ ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહને એઈમ્સ (ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ)ના ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની તબિયત અચાનક બગડતાં તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હાલમાં ડૉ. સિંહની તબિયત અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
તબીબોની વિશેષ ટીમ તેની તપાસ કરી રહી છે. બે વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા ડૉ.મનમોહન સિંહ 91 વર્ષના છે. તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ પહેલા પણ તેમને સ્વાસ્થ્ય સંબંધી કારણોસર ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મનમોહન સિંહ વર્ષ 2004થી 2014 સુધી વડાપ્રધાન રહ્યા હતા. આ વર્ષની શરૂઆતમાં રાજ્યસભામાંથી નિવૃત્ત થયા હતા. 33 વર્ષ પછી ઉપલા ગૃહમાં તેમની રાજકીય ઇનિંગ્સનો અંત આવ્યો હતો.
મનમોહન સિંહે પીવી નરસિમ્હા રાવની આગેવાની હેઠળની સરકારમાં નાણાં પ્રધાન તરીકે શપથ લીધાના ચાર મહિના પછી 1991માં રાજ્યસભામાં આવ્યા હતા. તેમણે ઉપલા ગૃહમાં પાંચ ટર્મ માટે આસામનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને 2019માં રાજસ્થાનથી રાજ્યસભા પહોંચ્યા હતા.