July 8, 2024

ભારતને 15000 કિમી દૂર મળ્યો ‘તેલનો ભંડાર’, પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાના અણસાર

નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં માર્ચ મહિનાથી કોઈ ફેરફાર નાથી થયો. સામાન્ય ચૂંટણી પહેલા સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરીને જનતાને રાહત આપી હતી. ત્યારે દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં 2 રૂપિયાની ઘટાડો કરવામાં આવ્યો હતો. આ ઘટાડા બાદ હાલ અમદાવાદમાં પેટ્રોલના ભાવ 94.44 રૂપિયા અને દિલ્હીમાં પેટ્રોલના ભાવ 94.72 રૂપિયા પ્રતિલિટર થઈ ગયો છે. જ્યારે, ડીઝલના ભાવ અમદાવાદમાં 90.11 રૂપિયા અને દિલ્હીમાં 87.62 રૂપિયા પ્રતિલિટર થઈ ગયો છે. જોકે, હવે ટૂંક સમયમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં તોતિંગ ઘટાડો થઈ શકે છે.

ક્રૂડ ઓઇલની આયાતમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે
મીડિયા અહેવાલ મુજબ, સરકારી તેલ કંપનીઓ બ્રાઝિલથી ક્રૂડ ઓઇલની સપ્લાય સુનિશ્ચિત કરવા માટે એક લોંગ ટર્મ કરાર કરવા માટે ચર્ચા કરી રહી છે. ભારત દુનિયામાં ક્રૂડ ઓઇલની આયાત કરતો ત્રીજા ક્રમનો સૌથી મોટો દેશ છે અને છેલ્લા કેટલાક સમયથી પોતાની સપ્લાયમાં વિવિધતા લાવવા માટે પ્રયાસો કરી રહ્યું છે.

ભારત બ્રાઝિલ પાસેથી વધારશે ક્રૂડ ઓઇલની આયાત
મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે સરકારી તેલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન બ્રાઝિલની ઓઈલ જાયન્ટ પેટ્રોબ્રાસ કંપની સાથે ચર્ચા કરી રહી છે. બ્રાઝિલ વિશ્વમાં ક્રૂડ તેલનો સાતમો સૌથી મોટો ઉત્પાદક અને નિકાસકાર દેશ છે. ભારતીય કંપનીઓના અધિકારીઓએ એપ્રિલમાં બ્રાઝિલની મુલાકાત કરી હતી. BPCL હાલમાં પોતાની રિફાઈનરીઓમાં બ્રાઝિલિયન ક્રૂડ ઓઈલનું પરીક્ષણ કરી રહ્યું છે. ટૂંક સમયમાં કરાર પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. જો કેન હજુ સુધી તે નક્કી નાથી થયું કે બ્રાઝિલથી કેટલું ક્રૂડ ઓઈલ આયાત કરવામાં આવશે.

કેમ વધી રહ્યા છે ઈંધણના ભાવ?
સૂત્રોનું કહેવું છે કે ભારતીય કંપનીઓ બ્રાઝિલની કંપની સાથે અલગ-અલગ ચર્ચાઓ કરી રહી છે પરંતુ તેની શરતો સમાન હોઈ શકે છે. ભારત પરંપરાગત રીતે પશ્ચિમ એશિયાથી ક્રૂડ ઓઈલની આયાત કરતું આવ્યું છે કારણ કે તે સસ્તું પડે છે. પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે જ્યારે કંપનીઓ કોન્સોર્ટિયમ તરીકે ભાવતાલ કરે છે, ત્યારે તે તેમના માટે સસ્તું પડે છે. ભારતીય કંપનીઓ એવા સમયે બ્રાઝિલ સાથે ક્રૂડ ઓઇલની સપ્લાય માટે વાત કરી રહી છે જ્યારે પશ્ચિમ એશિયા અને યુક્રેનમાં સંઘર્ષ અને હોર્મુઝની ખાડીમાં અવરોધને કારણે ક્રૂડ ઓઇલનો ભાવ વધી રહ્યો છે.

ભારતની તેલની આયાતમાં બ્રાઝિલનો હિસ્સો ઘણો ઓછો છે. ગત નાણાકીય વર્ષમાં, ભારતે બ્રાઝિલમાંથી 1.46 બિલિયન ડોલરના ક્રૂડ ઓઇલની આયાત કરી હતી જ્યારે ભારતનું કુલ ઓઇલ બિલ 139.85 બિલિયન ડોલર હતું. ગયા નાણાકીય વર્ષમાં ભારતનું સૌથી મોટું સપ્લાયર રશિયા હતું. બ્રાઝિલના તેલ ઉત્પાદનમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં સતત વધારો થયો છે. સરકારી આંકડા મુજબ, 2023માં દેશમાં ક્રૂડ ઓઈલનું ઉત્પાદન લગભગ 13 ટકા વધીને 34 લાખ બેરલ પ્રતિદિન થઈ ગયું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આજે ક્રૂડ ઓઇલમાં સામાન્ય ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ 30 સેન્ટ ઘટીને 87.17 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે.