June 30, 2024

ભારતનું સૌથી ઠંડુ શહેર કયું? અહીં ઉનાળામાં પણ હોય છે 16 ડિગ્રી તાપમાન…

India’s Coldest City: આ વર્ષે ભારતમાં ગરમીએ એવો પ્રકોપ બતાવ્યો છે કે, ઘરમાં લગાવેલા એસી-કૂલર ફેઇલ થઈ ગયા છે. જૂનની આ કાળઝાળ ગરમીમાં બાળકો તેમના માતા-પિતાની પાછળ પડી ગયા છે કે ક્યાંક ફરવા લઈ જાય. હવે સમસ્યા એ છે કે, આ કાળઝાળ ગરમીમાં જઈએ તો પણ ક્યાં જઈએ? કારણ કે સ્થિતિ એવી છે કે ગમે ત્યાં જાવ ગરમીને કારણે હોટલના રૂમમાંથી બહાર નથી આવી શકતા. પરંતુ ભારતમાં એક એવું શહેર છે કે, જ્યાં આ કાળઝાળ ગરમીમાં પણ તાપમાન માત્ર 16 ડિગ્રી રહે છે. એટલું જ નહીં, જો તમે અહીં ફરવા જવાનું વિચારી રહ્યા છો તો જૂન મહિનામાં પણ તમારે સ્વેટર પહેરવું પડશે. આવો અમે તમને ભારતના આ સૌથી ઠંડા શહેર વિશે જણાવીએ.

આ વાત છે લેહ-લદ્દાખની. અહીંના ઘાટી વિસ્તારમાં હજુ પણ તાપમાન 16 ડિગ્રીએ છે. હાલ તમે દરેક જગ્યાએ ગરમીના પ્રકોપ વિશેના સમાચાર સાંભળતા જ હશો. સમગ્ર ઉત્તર ભારત ગરમીની લપેટમાં છે અને ચોમાસાના આગમનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું છે. લેહ-લદ્દાખ એવી જગ્યા છે જ્યાં લોકો હજુ પણ રાત્રે ધાબળા પહેરીને સૂતા હોય છે. મે-જૂનની આકરી ગરમીમાં પણ તમે આ શહેરમાં ઠંડકનો અનુભવ કરશો. હાલમાં લેહ-લદ્દાખમાં તાપમાન 5થી 16 ડિગ્રી વચ્ચે છે.

જો તમે તમારા પરિવાર સાથે કોઈ શાનદાર સ્થળની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો આ શહેર તમારા માટે શ્રેષ્ઠ સ્થળ બની શકે છે. અહીં તમે ઉનાળામાં પણ બરફવર્ષાની મજા માણી શકો છો.

જાણો ભારતના કેટલાક ઠંડા શહેરો વિશે

  • લેહ-લદ્દાખના કારગિલ જિલ્લામાં સ્થિત દ્રાસ શહેરને ભારતનું સૌથી ઠંડુ શહેર માનવામાં આવે છે. અહીં તાપમાન 10 ડિગ્રીથી ઓછું રહે છે.
  • આ સિવાય અરૂણાચલ પ્રદેશનું તવાંગ શહેર પણ ભારતના સૌથી ઠંડા સ્થળોમાંથી એક છે. ઉનાળાની ઋતુમાં આ શહેરમાં પણ તમને ઠંડીનો અનુભવ થઈ શકે છે.
  • જો ભારતના સૌથી ઠંડા શહેરોની વાત કરીએ તો મનાલી પણ આ શ્રેણીમાં આવે છે. આ શહેર દિલ્હીથી 544 કિલોમીટર દૂર છે અને પ્રવાસીઓના મનપસંદ સ્થળોમાંથી એક છે.
  • ઉત્તરાખંડનું મુનસ્યારી પણ ખૂબ ઠંડું શહેર છે. તે ઉત્તરાખંડના કુમાઉ વિભાગના પિથોરાગઢ જિલ્લામાં સ્થિત એક હિલ સ્ટેશન છે.
  • કલ્પા પણ એક એવું શહેર છે જે તમને આ ઉનાળામાં પણ શિયાળાનો અહેસાસ કરાવશે. કલ્પા હિમાચલ પ્રદેશ રાજ્યના કિન્નૌર જિલ્લામાં સ્થિત છે. આ એક હિન્દુ અને બૌદ્ધ ધાર્મિક સ્થળ છે.