September 18, 2024

હાથમાં ભગવદ્ ગીતા લઈને ફાંસીના માંચડે ચડ્યા ખુદીરામ બોઝ

અમદાવાદઃ ભારતની આઝાદીની લડાઈમાં અનેક વીર શહીદોએ પોતાનું લોહી રેડ્યું છે અને આ ધરતીને સ્વતંત્રતા અપાવવા માટે કુરબાની આપી છે. તેમાંથી જ એક હતા ખુદીરામ બોઝ. તેમને સૌથી નાની ઉંમરે ફાંસીના માંચડે ચડાવવામાં આવ્યા હતા અને તેમણે ભારત માતાની આઝાદી માટે હસતા મોઢે શહીદી સ્વીકારી હતી.

આ વાત છે વર્ષ 1907ની. બંગાળના વિભાજન પછી સમગ્ર દેશમાં આઝાદીની એક ચિનગારી ઉઠી રહી હતી. તેમાંથી એક હતી ખુદીરામ બોઝ. નવમા ધોરણમાં ભણતા હતા, પરંતુ દેશને આઝાદ કરાવવા માટે ભણવાનું છોડી દીધું હતું. રિવોલ્યુનરી પાર્ટીના સભ્ય બની ગયા હતા. આઝાદીની લડાઈ માટે ખુદીરામ બોઝે ખૂબ જ સંઘર્ષ કર્યો હતો. અંગ્રેજોને ખૂબ જ હેરાન કર્યા હતા.

1907માં ખુદીરામ બોઝે અન્ય ક્રાંતિકારીઓ સાથે મળીને નારાયણગઢ રેલવે સ્ટેશન પર બોમ્બ ધડાકો કર્યો હતો. આ પહેલીવાર નહોતું. આ પહેલાં પણ અંગ્રેજ ઓફિસર કિંગ્સફોર્ડની બગી પર પણ ખુદીરામ બોઝે બોમ્બ ફેંક્યો હતો. તેનાથી અંગ્રેજો હચમચી ગયા હતા. નારાયણગઢ પર હુમલો કર્યા પછી ખુદીરામ ભાગ્યા હતા.

તેઓ ભાગતા ભાગતા 24 કિલોમીટર દૂર વૈની રેલવે સ્ટેશન પહોંચ્યા ત્યારે પોલીસે તેમને ઘેરી લીધા હતા. ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ખુદીરામ સાથે પ્રફુલ્લ કુમાર ચાકી હતા. જ્યારે તેમને પોલીસે પકડ્યા તો પોતાને ગોળી મારી હતી. જ્યારે ખુદીરામ બોઝને 11 ઓગસ્ટ, 1908ના દિવસે અંગ્રેજ સરકારે ફાંસી આપી હતી. ફાંસીના માંચડે ચડતી વખતે બોઝના ચહેરા પર સ્હેજેય ડર નહોતો. તેમના હાથમાં ભગવદ્ ગીતા હતા અને ચહેરો ખિલખિલાટ હસતો હતો. હસતા મોઢે તેઓ ફાંસીના માંચડે ચડી ગયા હતા અને દેશ માટે કુરબાની આપી હતી.