July 2, 2024

ભારત-અફઘાનિસ્તાન વચ્ચે કેમ બે વખત રમાઇ સુપર ઓવર, શું છે તેનો નિયમ?

INDvsAFG - NEWSCAPITAL

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રણ T20 મેચોની શ્રેણીની છેલ્લી મેચ સૌથી જબરદસ્ત રહી હતી. બંને ટીમો વચ્ચેની આ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા કેપ્ટન રોહિત શર્માની 121 રનની શાનદાર ઈનિંગની મદદથી 212 રન બનાવ્યા હતા. તો અફઘાનિસ્તાને પણ ટોચના ત્રણ બેટ્સમેનોની અર્ધસદીની મદદથી 20 ઓવરમાં 212 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં મેચ સુપર ઓવરમાં પહોંચી હતી.

જોકે, મેચનો રોમાંચ હજુ આવવાનો હતો. સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરવા આવેલી અફઘાનિસ્તાનની ટીમે 16 રન બનાવ્યા હતા. તો ભારત 16 રન જ બનાવી શક્યું અને સુપર ઓવર ટાઈ થઈ. આવી સ્થિતિમાં હવે બીજી સુપર ઓવર રમાઈ હતી. બીજી સુપર ઓવરમાં ટીમ ઈન્ડિયા બેટિંગ કરવા આવી હતી. આ વખતે ભારતીય ટીમ માત્ર 11 રન જ બનાવી શકી હતી પરંતુ બોલિંગમાં તેણે માત્ર એક રનમાં બે બેટ્સમેનોને આઉટ કરીને મેચ જીતી લીધી હતી. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે સુપર ઓવરના નિયમો શું કહે છે.

આ પણ વાંચો : IND vs AFG:’અમે ફરીથી કોશિશ કરીશું કે વર્લ્ડ કપ જીતીએ’, રોહિત શર્માએ કેમ કહ્યું આવું?

  • સુપર ઓવરમાં ટીમમાંથી માત્ર ત્રણ જ ખેલાડી બેટિંગ કરી શકે છે.
  • કોઈ એક ખેલાડી બેટિંગ અને બોલિંગ બંને કરી શકતો નથી.
  • બંને ટીમોને 6-6 બોલ રમવા મળશે.
  • જો સુપર ઓવર પણ ટાઈ થાય તો ફરી એકવાર સુપર ઓવર રમાય છે. આ સુપર ઓવરમાં એ ટીમ પ્રથમ બેટિંગ કરે છે જે પહેલી સુપર ઓવરમાં પાછળથી બેટિંગ કરે છે.
  • મેચની બીજી ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમ સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરવા આવે છે.
  • સુપર ઓવરમાં, કોઈપણ ટીમ 2 વિકેટ ગુમાવતાની સાથે જ દાવ સમાપ્ત થાય છે.
  • બોલિંગ ટીમ પસંદ કરે છે કે તે કયા છેડેથી બોલિંગ કરશે.

ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણી 3-0થી જીતી લીધી છે. પ્રથમ બે મેચ એકતરફી રહી હતી પરંતુ ત્રીજી મેચમાં અફઘાન ટીમે જોરદાર ટક્કર આપી હતી. મેચનું પરિણામ મેળવવા માટે બે વખત સુપર ઓવર કરાવવી પડી હતી. અંતે ટીમ ઈન્ડિયાનો જ અહીં વિજય થયો હતો. આ જીત બાદ કેપ્ટન રોહિત શર્મા ઘણો ખુશ દેખાઈ રહ્યો હતો. તેની ખુશીનું એક કારણ એ પણ હતું કે તેણે આ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. લાંબા સમય બાદ ટી-20 ક્રિકેટમાં તેની આટલી મોટી ઇનિંગ હતી.આ પહેલાની બે મેચમાં તે શૂન્ય પર પેવેલિયન પરત ફર્યો હતો. આવી સ્થિતિમાં આ મેચમાં શાનદાર ઇનિંગ્સ અને જોરદાર જીત બાદ તે એટલો ખુશ દેખાઈ રહ્યો હતો કે તેણે T20 વર્લ્ડ કપ જીતવાનું વચન આપ્યું હતું.