ઇન્કમટેક્સ વિભાગે ઈડરના એક રહીશને 36 કરોડના બાકી ટેકસની નોટિસ ફટકારી

ચિરાગ મેઘા સાબરકાંઠા: જી.એસ.ટી તેમજ સી.જી.એસ.ટી.નો ટેક્સ સામાન્ય રીતે આર્થિક દ્રષ્ટિએ વ્યાપક આવક ધરાવનારા લોકો પાસેથી વસૂલ કરાતો હોય છે. જોકે સાબરકાંઠાના ઈડરના એક રહીશને 36 કરોડનો બાકી ટેકસ મામલે ઇન્કમટેક્સ વિભાગે નોટિસ ફટકારતા પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ સર્જાયો છે. જોકે ઈન્દિરા આવાસ યોજના અંતર્ગત 36,000ની સહાય મેળવી સામાન્ય ખાનગી કંપનીમાં 12,000ની નોકરી કરતા પરિવાર ઉપર 36 કરોડનો ટેકસ બાકી હોય તેવી નોટિસ મળતા પરિવાર ઉપર આભ ફાટ્યું હોય તેવી ઘટના સર્જાઇ છે. આ મામલે પરિવારજનો એ ઇડર પોલીસ મથક સહિત સ્થાનિકોને જાણ કરતા તેઓ પણ કામે લાગ્યા છે. જોકે કોઈપણ જગ્યાએથી હજુ સુધી કોઈપણ પ્રકારની રાહત ન મળતા આખરે પરિવાર રાતા પાણીએ રડી રહ્યો છે.

સાબરકાંઠાના ઈડરના રતનપુર ગામે જીતેશભાઈ મકવાણા પોતાના પાંચ સભ્યોના પરિવાર સાથે હસી ખુશી જીવન ગુજારી રહ્યા હતા. જોકે અચાનક ઇન્કમટેક્સ વિભાગ દ્વારા રૂપિયા 36 કરોડની નોટિસ આવતા સમગ્ર પરિવારમાં ખળભળાટ સર્જાયો છે. જીતેસભાઈ મકવાણા પોતે અમદાવાદમાં સામાન્ય કંપનીમાં 12 હજારની નોકરી કરી કુટુંબનું ભરણપોષણ કરી રહ્યા છે. તેવા સમયે અચાનક ઇન્કમટેક્સ વિભાગ દ્વારા વર્ષ 2020-21 તેમજ 2021-22માં કરોડો રૂપિયા બાકી હોવાની નોટિસ ફટકારવામાં આવી છે. જેના પગલે સમગ્ર પરિવાર માથે જાણે કે આભ ફાટી હોય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. હાલના તબક્કે સમગ્ર પરિવાર પોલીસ વિભાગ સહિત ઇન્કમટેક્સ વિભાગમાં પણ આ મામલે જાણ કરી ચૂક્યો છે. ત્યારે કોઈપણ પ્રકારનો સહયોગ મળી શક્યો નથી.

સામાન્ય રીતે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા પાછલા વર્ષોમાં બાકી રહેલી ટેક્સની રકમ ન ચુકવાતા વિવિધ નોટિસ ફટકારતું હોય છે. તેમજ જે તે વ્યક્તિ સામે કાયદાકિય પગલા પણ ભરાતા હોય છે. જોકે જીતેસભાઈ મકવાણાનું હાલમાં બેલેન્સ માત્ર 12 રૂપિયા છે. તેમજ ભૂતકાળમાં ટેક્સ આપવાની જેટલી રકમ પણ આજદિન સુધી એકઠી કરી શક્યા નથી તેવા સમય સંજોગે એક સાથે 36 કરોડ રૂપિયા ચૂકવવાની નોટિસ મળતા સ્થાનિકો સહિત પરિવારમાં પણ હડકમ વ્યાપ્યો છે. તેમજ પરિવાર માટે આ નોટિસ વજ્રઘાત સમાન પુરવાર થઈ છે.

સામાન્ય રીતે ગરીબી જીવન હેઠળ પોતાનું ગુજરાન કરતો પરિવાર સવારે 200 રૂપિયાથી 350 રૂપિયા સુધીની છૂટક મજૂરી કામકાજ કરી જીવન નિર્વાહ કરી રહ્યો છે. ત્યારે પોતાનાં પિતાની છત્રછાયા ગુમાવી વિધવા માતા પોતાનાં એક દિકરા અને દીકરીની સાથે જીવન ગુજારી રહ્યાં છે. ત્યારે જીતેશ નામના પુત્રને પત્ની તેમજ બે સંતાન છે બે સંતાનનો પિતા માત્ર 12 હજારની માતબર રકમમાં અમદાવાદ શહેરમાં આવેલી ખાનગી કંપનીમાં પટાવાળાની નોકરી કરી અને પત્ની મકાન કામ કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યાં છે. ત્યારે હિતેશ મકવાણા નામના યુવાનના ડોક્યુમેન્ટ ખોટી ઉપયોગમાં લઈ કરોડો રૂપિયાનો વ્યવહાર થયાનું યુવાન માણી રહ્યો છે. જોકે ચાર દિવસથી ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આપવામાં આવેલી નોટિસને લઈ માતા, બહેન, પત્ની સહિત યુવાનનો આંખોમાં આંસુ વરસી રહ્યાં છે. તેમજ યોગ્ય ન્યાય માટે પરિવાર સરકારી તંત્ર સહિત સરકાર પાસે અપેક્ષાઓ રાખી રહ્યો છે.

જોકે એક તરફ ઇન્દિરા ગાંધી આવાસ અંતર્ગત સામાન્ય આવકમાં પરિવારનું ગુજરાન ચલાવતા યુવકના માથે કરોડોની નોટીસ ફટકારવામાં આવી છે. ત્યારે સ્થાનિકો માટે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આપવામાં આવેલી આ નોટિસ કેટલા અંશે વ્યાજબી છે તેની સામે પણ સવાલો થઈ રહ્યા છે. જોકે શરત ચૂકથી કે ઇરાદા પૂર્વક ફટકારવામાં આવેલી આ નોટિસ આગામી સમયમાં કેવા પરિણામ સર્જે છે તે પણ મહત્વનું બની રહેશે.