July 7, 2024

સૌરાષ્ટ્રની ‘સૌની યોજના’ માં વધુ 45 ગામનો સમાવેશ

સુરેન્દ્રનગર: જિલ્લામં સૌની યોજના અંતર્ગત વધુ 45 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજના માટે સરકારે 4.17 કરોડની મંજૂરી આપી દીધી છે. મહત્વનું છેકે આ યોજનાના કારણે 3000 હેકટરમાં ફેલાયેલી સિંચાઈની જમીનને પાણી મળશે.

મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગરના મુળી તાલુકાના 25, ધાંગધ્રાના 14 અને વઢવાણના 6 ગામોને સિંચાઈનું પાણી પહોંચડા માટે તેને સૌની યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. જેની પાછળ સરકાર 4.17 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ વિસ્તારમાં આવેલા વઢવાણ ધાંગધ્રા અને મૂળીની સીમામાં આવેલા તળાવ અને ડેમમાં પાણી પહોંચાડવામાં આવશે. જેના કારણે આ વિસ્તારમાં આવેલી 3 હજારથી પણ વધુ હેક્ટરની સિંચાઈની જમીનને પાણી મળી રહેશે.

મહત્વનું છેકે, ગુજરાતમાં નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટની યાદીમાં સૌરાષ્ટ્રની સૌની યોજનાની જાહેરાત થઈ હતી. આ પ્રોજેક્ટના પ્રથમ ફેઝનું ઉદ્દઘાટન PM મોદીએ ઓગસ્ટ 2016માં જામનગરથી કર્યો હતો. આ યોજના અંતર્ગત સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જુનાગઢ જિલ્લા સહિત બીજા સાત જિલ્લાઓનાં 737 ગામડા અને 11 શહેરોની પાણી મળશે તેવી સંભાવના છે. આ પ્રોજેક્ટ પાછળ 1200 કરોડ રુપિયાનો ખર્ચ થવાની સંભાવના છે.