PM નરેન્દ્ર મોદીના હસ્તે ‘આશ્રમ ભૂમિ વંદના’ પ્રોજેક્ટનો શુભારંભ
PM Modi Visit Gandhi Ashram: પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ અને રાજસ્થાનના પ્રવાસે હતા. પીએમ મોદીએ અનેક પ્રોજેક્ટના ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યાં હતાં. પીએમ મોદીએ અમદાવાદ ખાતે દાંડીકૂચ દિવસે સાબરમતી આશ્રમની મુલાકાત લઈ ગાંધીવંદના કરીને ‘આશ્રમ ભૂમિ વંદના’ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો, આ સાથે પીએમ મોદીએ પુનઃવિકસિત કોચરબ આશ્રમનું પણ ઉદ્ઘાટન પણ કર્યું હતું. ગાંધી આશ્રમ ખાતે પીએમ મોદીએ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને હૃદય કુંજની મુલાકાત લીધી અને પુનઃ નિર્માણ પ્રોજેક્ટને દર્શાવતું પ્રદર્શન પણ નિહાળ્યું હતું. ગાંધી આશ્રમ પરિસરમાં પીએમ મોદીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
દાંડીકૂચ દિવસ ઐતિહાસિક દિવસ છે: પીએમ મોદી
આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું હતું કે સાબરમતી આશ્રમ હંમેશાં અજોડ ઊર્જાનું જીવંત કેન્દ્ર રહ્યું છે. અહીંયા આવીને આપણે બાપુની પ્રેરણા અનુભવીએ છીએ. તેમણે વધુમાં કહ્યું કે,સાબરમતી આશ્રમે પૂજ્ય બાપુના સત્ય અને અહિંસા, રાષ્ટ્રસેવા અને વંચિતોની સેવામાં ભગવાનની સેવા જોવાના મૂલ્યોને જીવંત રાખ્યા છે.વધુમાં પીએમ મોદીએ કોચરબ આશ્રમમાં ગાંધીજીના સમયનું વર્ણન કર્યું હતું. ગાંધી બાપુએ દાંડીકૂચની શરૂઆત કરી અને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની જે તારીખ સુવર્ણ અક્ષરો લખાઈએ 12મી માર્ચની નોંધ લેતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક દિવસ સ્વતંત્ર ભારતમાં નવા યુગની શરૂઆતનો સાક્ષી છે. આજનો દાંડીકૂચ દિવસ ઐતિહાસિક દિવસ છે. સાબરમતી આશ્રમથી શરૂ થયેલી દાંડીયાત્રાએ આઝાદ ભારતની પૃષ્ઠભૂમિ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
12મી માર્ચે જ સાબરમતી આશ્રમથી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની શરૂઆત કરી
સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે 12મી માર્ચે જ સાબરમતી આશ્રમથી રાષ્ટ્રએ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની શરૂઆત કરી હતી, આ કાર્યક્રમે દેશની ભૂમિના બલિદાનોને યાદ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. અમૃત મહોત્સવે ભારત માટે અમૃત કાળમાં પ્રવેશવા માટેનું પ્રવેશદ્વાર બનાવ્યું છે. અમૃત મહોત્સવ પ્રસંગે દેશમાં જનભાગીદારીનું એવું વાતાવરણ બન્યું હતું, જેવું આઝાદી પહેલાના સમયમાં જોવા મળ્યું હતું.વધુમાં પીએમ મોદીએ મહાત્મા ગાંધીના આદર્શો અને મૂલ્યોનો પ્રભાવ અને અમૃત મહોત્સવના વ્યાપ વિશે વાત કરી હતી.
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ આજે સાબરમતી આશ્રમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી, વૃક્ષારોપણ કર્યું તેમજ સાબરમતી આશ્રમના પુનઃનિર્માણના લેઆઉટનું નિરીક્ષણ કર્યું. #AshramBhoomiVandana pic.twitter.com/vHQCqCpq9H
— BJP Gujarat (@BJP4Gujarat) March 12, 2024
2 લાખથી વધુ અમૃતવાટિકાનું નિર્માણ કરાયું: PM મોદી
પીએમ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવની સફળતા વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, આ મહોત્સવ અંતર્ગત 3 કરોડથી વધુ લોકોએ પંચ પ્રણ શપથ લીધા હતા, 2 લાખથી વધુ અમૃતવાટિકાનું નિર્માણ કરાયું હતું અને 2 કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું છે અને સાથે સાથે જળસંરક્ષણની દિશામાં પણ કાર્ય કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે 70,000થી વધારે અમૃત સરોવરોનું નિર્માણ કરાયું છે. આ ઉપરાંત, હર ઘર તિરંગા અભિયાન થકી સમગ્ર દેશ રાષ્ટ્રભક્તિના રંગના રંગાયો હતો અને મેરી માટી, મેરા દેશ કાર્યક્રમ થકી લાખો શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
કોચરબ આશ્રમનો કાયાકલ્પ…#AshramBhoomiVandana pic.twitter.com/wW6VGTRizz
— BJP Gujarat (@BJP4Gujarat) March 12, 2024
આશ્રમનાને સાચવવાની જવાબદારી 140 કરોડ ભારતીયોની
કોંગ્રેસ પર પ્રહાર કરતાં પીએમ મોદીએ કહ્યું કે, જે રાષ્ટ્ર પોતાની ધરોહરને સાચવવામાં સક્ષમ નથી તે પોતાનું ભવિષ્ય પણ ગુમાવે છે. બાપુનો સાબરમતી આશ્રમ માત્ર દેશનો જ નહીં માનવતાનો વારસો છે. આ અમૂલ્ય વારસાની લાંબી અવગણનાને યાદ કરતાં પીએમએ આશ્રમનો વિસ્તાર 120 એકરથી ઘટીને 5 એકર થવાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે 63 ઇમારતોમાંથી માત્ર 36 ઇમારતો જ રહી છે અને માત્ર 3 ઇમારતો મુલાકાતીઓ માટે ખુલ્લી છે. પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે સ્વતંત્રતા સંગ્રામમાં આશ્રમના મહત્ત્વને ધ્યાનમાં રાખીને તેને સાચવવાની 140 કરોડ ભારતીયોની જવાબદારી છે. પીએમ મોદીએ કહ્યું કે આવા સ્મારકોની લાંબી અવગણના માટે ઇચ્છાશક્તિના અભાવ, સંસ્થાનવાદી માનસિકતા અને તુષ્ટિકરણને જવાબદાર ઠેરવ્યું હતું.
આજે દાંડીકૂચના ઐતિહાસિક દિવસે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના શુભહસ્તે અમદાવાદના સાબરમતી આશ્રમના પુનઃનિર્માણ કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો તેમજ પુન:વિકસિત કરાયેલ કોચરબ આશ્રમનું લોકાર્પણ સંપન્ન થયું.
વર્તમાનમાં 5 એકરમાં ફેલાયેલા સાબરમતી આશ્રમનું આશરે ₹1200 કરોડના… pic.twitter.com/Q8AHnYKdcS
— BJP Gujarat (@BJP4Gujarat) March 12, 2024
પીએમ મોદીએ ગુજરાત સહિત કાશી વિશ્વનાથ અને અયોધ્યાનો ઉલ્લેખ કર્યો
દેશની ધાર્મિક અને ઐતિહાસિક વિરાસતોના વિકાસ અંગે વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સરકારની મજબૂત ઈચ્છાશક્તિના પરિણામે તથા લોકોના સહકાર દ્વારા 12 એકર જમીન પ્રોજેક્ટ માટે બહાર આવી, જેના પર ભક્તો માટે સુવિધાઓ ઊભી કરવામાં આવી. જેના પરિણામે કાશી વિશ્વનાથ ધામના પુનઃવિકાસ પછી 12 કરોડ શ્રદ્ધાળુઓનું આગમન થયું. તેવી જ રીતે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિના વિસ્તરણ માટે 200 એકર જમીન મુક્ત કરવામાં આવી હતી. ત્યાં પણ છેલ્લા 50 દિવસમાં 1 કરોડથી વધુ ભક્તો દર્શન માટે ગયા છે. વધુમાં પીએમ મોદીએ કહ્યું કે ગુજરાતે સમગ્ર રાષ્ટ્રને વારસાની જાળવણીનો માર્ગ બતાવ્યો. તેમણે સરદાર પટેલના નેતૃત્વમાં સોમનાથના મંદિરના જીર્ણોદ્ધારને ઐતિહાસિક ઘટના ગણાવી હતી. ચાંપાનેર અને ધોળાવીરા, લોથલ, ગિરનાર, પાવાગઢ, મોઢેરા અને અંબાજી સાથે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ જેવાં ઉદાહરણો ગણાવ્યાં હતાં. ‘પંચ તીર્થ’ના રૂપમાં બી.આર.આંબેડકર સાથે સંબંધિત સ્થળોનો વિકાસ, એકતાનગરમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સ્થાપનાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા
પીએમ મોદીએ કહ્યુંકે સરકાર ગ્રામીણ ગરીબોના કલ્યાણને પ્રાથમિકતા આપી રહી છે અને મહાત્મા ગાંધીએ આપેલા આત્મનિર્ભરતા અને સ્વદેશીના આદર્શોને અનુસરીને આત્મનિર્ભર ભારત અભિયાન ચલાવી રહી છે. ગુજરાતમાં 9 લાખ કૃષિ પરિવારોએ કુદરતી ખેતી અપનાવી છે, જેના કારણે 3 લાખ મેટ્રિક ટન યુરિયાના વપરાશમાં ઘટાડો થયો છે. ગામડાઓના સશક્તિકરણનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, બાપુનું ગ્રામ સ્વરાજનું વિઝન આજે જીવંત થઈ રહ્યું છે. “સ્વ-સહાય જૂથો, 1 કરોડથી વધુ લખપતિ દીદીઓ, મહિલાઓ ડ્રોન પાઈલટ બનવા માટે તૈયાર હોય એવું આ પરિવર્તન એક મજબૂત ભારતનું ઉદાહરણ છે અને સર્વસમાવેશક ભારતનું ચિત્ર પણ છે. પીએમ મોદીએ કહ્યું કે સરકારના પ્રયાસોને કારણે છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે, “આજે, જ્યારે ભારત વિકાસના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે ત્યારે મહાત્મા ગાંધીનું આ મંદિર આપણા બધા માટે એક મહાન પ્રેરણા છે. તેથી સાબરમતી આશ્રમ અને કોચરબ આશ્રમનો વિકાસ એ માત્ર ઐતિહાસિક સ્થળોનો વિકાસ નથી. તે વિકસિત ભારતના સંકલ્પ અને પ્રેરણામાં આપણો વિશ્વાસ પણ મજબૂત કરે છે.’
પીએમ મોદીએ ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ગાઈડ માટે સ્પર્ધા યોજવાનું આહ્વાન કરીને શાળાઓને દરરોજ ઓછામાં ઓછા 1000 બાળકોને સાબરમતી આશ્રમ લઈ જવા અને સમય પસાર કરવા અપીલ કરી હતી.વધુમાં ઉમેર્યું કે ‘આ આપણને કોઈ પણ વધારાના બજેટની જરૂરિયાત વિના ઐતિહાસિક ક્ષણોને ફરીથી જીવવાની મંજૂરી આપશે’ અને એક નવા પરિપ્રેક્ષ્ય થકી દેશની વિકાસ યાત્રાને બળ મળશે.