December 22, 2024

ઇલેક્ટ્રોનિક વાદ્યોના સમયમાં પરંપરાગત વાદ્યો બનાવતા કારીગરોની હાલત કફોડી

વિજય ભટ્ટ, સુરેન્દ્રનગર: નવરાત્રીના પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે ગરબા મંડળીઓ અને નવરાત્રીના આયોજકો દ્વારા પરંપરાગત રીતે ઉપયોગમાં લેવાતાં વાજિંત્રોની ખરીદી કરવામાં આવી છે. પરંતુ, ધીરે ધીરે શેરી ગરબીઓ અને પાર્ટી પ્લોટમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો વપરાશ વધતાં વાજિંત્રોની ખરીદીમાં ઘટાડો જોવા મળતા સુરેન્દ્રનગર જીલ્લાના ડબગર પરિવારોની હાલત કફોડી બની છે.

માં જગદંબાની આરાધનાના પર્વ એવા નવરાત્રીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરેન્દ્રનગર શહેર તેમજ જિલ્લામાં નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે અને માતાજીની આરાધનાના આ મહાપર્વમાં સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારો તેમજ જિલ્લામાં અનેક જગ્યાએ શેરી ગરબીઓમાં જમાવટ હોય છે અને નાની બાળાઓથી યુવતીઓ, મહિલાઓ ગરબે ઘુમે છે. પરંતુ શેરી ગરબીમાં સુરમધુર તાલ પુરા પાડતા જુના વાજીંત્રોનું સ્થાન હવે ઇલેક્ટ્રોનિક ઉપકરણોએ લઇ લીધુ છે. જેને લઇને જુના વાજીંત્રો બનાવવાનો અને વેચવાનો ઉધોગમાં મંદી જોવા મળી રહી છે.

સુરેન્દ્રનગર અને વઢવાણ ખાતે અંદાજે 50 થી વધુ ડબગર પરિવારો દ્વારા વર્ષોથી પરંપરાગત જુના વાજીંત્રો બનાવવામાં આવે છે. જેમાં ઢોલક, તબલા, નાના મોટા મંજીર‍ા, ડ્રમ, ડાક સહીતના સાધનો બનાવવામાં આવે છે પરંતુ વર્તમાન સમયમાં ડી.જે સહીતના ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ વધતા જુના વાજીંત્રોનો ઉપયોગ ઘટ્યો છે અને દિવસેને દિવસે જૂના વાંજીત્રોનો ઉપયોગ ઘટતા પરિવારનું ગુજરાન ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે.

આથી વર્ષોથી વાજિંત્રોનું વેચાણ કરતા વેપારીઓ, આ ઉધોગ સાથે જોડાયેલા કારીગરો તેમજ તેમના પરિવારજનોની હાલત કફોડી બની છે. ત્યારે સરકાર દ્વારા આ વ્યવસાયને જીવંત રાખવા પરિવારોને સહાય ચુકવવામાં આવે અથવા ખાસ યોજના બહાર પાડવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.