November 24, 2024

અમદાવાદ: પ્રેમી તરછોડીને ભાગી જતા સગીરાએ વીડિયોકોલ કરીને આપઘાત કરી લીધો

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદના સોલા વિસ્તારમાં પ્રેમી તરછોડીને જતા રહેતા એક સગીરાએ આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. પ્રેમી સાથે વીડિઓ કોલ દરમ્યાન સગીરાએ આપઘાત કર્યો હતો. જે બાદ પ્રેમીએ મિત્રની મદદથી પ્રેમિકાનો મૃતદેહ મંગાવ્યો હતો. પરંતુ મિત્ર પાલનપુરમાં મૃતદેહ ફેંકીને ફરાર થઇ ગયો હતો. સોલા પોલીસે સગીરાના આપઘાતને લઈને પ્રેમી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પંજાબની 17 વર્ષની સગીરાને પ્રેમની મળી સજા.
પ્રેમી સાથે સંસાર વસાવવા માટે ઘરથી ભાગીને ગુજરાત આવેલી સગારીને બે મહિનામાં જ પ્રેમીના ત્રાસથી આપઘાત કરી લીધો હતો. ઘટનાની વાત કરીએ તો પાલનપુરમાં એક સગીરાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં આ સગીરા સોલામાં આવેલા ગાયત્રીનગરમાં આપઘાત કર્યો હોવાનું ખુલતા સોલા પોલીસે તપાસ શરૂ કરી હતી. આ સગીરા પંજાબના લુધીયાણાની રહેવાસી હતી અને 2 માસ પહેલા બિહારના પ્રેમી ગુડ્ડુ ઉર્ફે સુદલ યાદવ સાથે લગ્ન કરવા ઘરેથી ભાગીને અમદાવાદ આવી ગયા હતા. અને ગાયત્રીનગરમાં મકાન ભાડે રાખ્યું હતું. પ્રેમી નોકરી કરવાના બહાને રાજસ્થાનના જેસલમેર જતો રહ્યો હતો. જેથી સગીરાએ કંટાળીને પ્રેમીને વીડિયો કોલ કરીને આપઘાત કરી દીધો હતો. હાલમાં સોલા પોલીસે આ આપઘાતને લઈ ગુનો નોંધી તપાસ શરૂ કરી.

આ પણ વાંચો: સરદારનગરમાં મહિલા બુટલેગરે પરિવાર સાથે મળીને પોલીસકર્મીને માર માર્યો

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી ગુડ્ડુ ઉર્ફે સુદલ યાદવ મૂળ બિહારનો રહેવાસી છે. આરોપીએ પંજાબની સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. અને 28 ફેબ્રુઆરીના રોજ આરોપી સગીરાને ભગાડીને અમદાવાદ લાવ્યો હતો. સગીરાએ પણ પ્રેમી સાથે સુખી જીવન જીવવા ઘર છોડીને આવી પરંતુ થોડા જ દિવસોમાં બંને વચ્ચે ઝઘડાઓ શરૂ થઈ ગયા હતા. પ્રેમી માનસિક ત્રાસ આપતો હતો અને નોકરીનું બહાનું કરીને સગીરાને મૂકીને રાજસ્થાન જતો રહ્યો હતો. જે બાદ એકલવાયું જીવન જીવતી સગીરા કંટાળી ગઈ હતી. તે પંજાબ પણ જઈ શકતી નહતી. અને પ્રેમી ક્યાં છે તે પણ ખબર નહતી. પ્રેમી ફક્ત ફોન પર જ મળતો હતો. જેથી સગીરાએ વીડિયો કોલ દરમ્યાન ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પ્રેમિકાના આપઘાતને લઈને આરોપીએ પોતાના મિત્ર રાજકિશોરને ઘરે મોકલ્યો હતો અને સગીરાને બિહાર લઈ જવાનું કહીને પાલનપુરમાં તેનો મૃતદેહ મંગાવ્યો હતો. અને ખુદ રાજસ્થાનથી પાલનપુર આવશે તેવું કહ્યું હતું. પરંતુ આરોપી પાલનપુર નહિ પહોંચતા તેનો મિત્ર મૃતદેહ મૂકીને ફરાર થઇ ગયો હતો. જે મામલે પાલનપુર પોલીસે અકસ્માત મોતની નોંધ કરી હતી.

હાલમાં સોલા પોલીસે સગીરાના આપઘાત કેસમાં આરોપી ગુડ્ડુ યાદવ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત તેના મિત્ર રાજકિશોર અને પાડોશીઓના નિવેદનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.