November 21, 2024

નાંદેડમાં PM મોદીએ OBC-લાલ કિતાબને લઇને કોંગ્રેસ પર કર્યાં પ્રહારો

Maharashtra Assembly Election 2024: PM નરેન્દ્ર મોદીએ નાંદેડમાં રેલીને સંબોધિત કરતી વખતે મહા વિકાસ અઘાડી ગઠબંધન પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું કે જ્યાં કોંગ્રેસ સરકાર બનાવે છે, તે રાજ્ય કોંગ્રેસના શાહી પરિવારનું એટીએમ બની જાય છે. વડાપ્રધાને કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં અમારી સરકારની મોટાભાગની યોજનાઓ કેન્દ્રમાં નારીશક્તિ જ રહી છે. વધુમાં તેમણે કહ્યું કે પરિવારને પીએમ આવાસ યોજના હેઠળ ઘર મળી રહ્યું છે, જેમાં નવું શૌચાલય બનાવવામાં આવી રહ્યું છે, પાણી અને વીજળીનું કનેક્શન પહેલીવાર પહોંચી રહ્યું છે, રસોડામાં જ્યાં પહેલીવાર ગેસ સિલિન્ડર પર ભોજન બનાવવામાં આવી રહ્યું છે, ત્યાં ઘરની મહિલા સભ્યોને સૌથી વધુ સુવિધા મળી રહી છે.

રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમના પર નિશાન સાધ્યું
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે છેતરપિંડીનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. કોંગ્રેસના લોકો બંધારણના નામે પોતાનું લાલ કિતાબ વહેંચી રહ્યા છે. કોંગ્રેસના લાલ કિતાબ ઉપર લખેલું છે – ભારતનું બંધારણ પણ, લોકોએ અંદરથી ખોલ્યું તો ખબર પડી કે લાલ કિતાબ ખાલી છે! બંધારણના નામે લાલ કિતાબ છપાવવા… તેમાંથી બંધારણના શબ્દો હટાવવા… બંધારણને ખતમ કરવાની કોંગ્રેસની આ જૂની વિચારસરણી છે. આ કોંગ્રેસી લોકો બાબા સાહેબનું નહીં પણ દેશમાં પોતાનું બંધારણ ચલાવવા માંગે છે.

ઓબીસીને લઈને કોંગ્રેસને ઘેરી
રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ એ સહન કરી શકતી નથી કે છેલ્લા 10 વર્ષથી દેશમાં એક ઓબીસી વડાપ્રધાન છે, તે બધાને સાથે લઈને ચાલી રહ્યા છે. તેથી કોંગ્રેસ ઓબીસીની ઓળખ ખતમ કરવાની અને તેમને વિવિધ જાતિઓમાં વહેંચવાની રમત રમી રહી છે.એટલા માટે હું દેશવાસીઓને કહું છું કે તેઓ સમાજને તોડવાની વૃત્તિઓથી સાવધ રહેજો. જો આપણે સંગઠિત રહીશું તો સુરક્ષિત રહીશું.

કલમ 370ના બહાને કોંગ્રેસ ઘેરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આઝાદી પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી પહેલા કાશ્મીરમાં બાબા સાહેબના બંધારણ સાથે દગો કર્યો. સમગ્ર દેશે બાબા સાહેબના બંધારણનો સ્વીકાર કર્યો. પરંતુ કોંગ્રેસ પાર્ટીએ કલમ 370 દ્વારા કાશ્મીરમાં અલગ કાયદો રજૂ કર્યો. કાશ્મીરમાં આપણા ત્રિરંગાની જગ્યાએ અલગ ધ્વજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે જમ્મુ-કાશ્મીરના દલિતોને કોઈ અધિકાર આપ્યો નથી. આટલા દાયકાઓ સુધી કાશ્મીર આતંકવાદની આગમાં સળગતું રહ્યું, ત્યાં અલગતાવાદ ખીલતો રહ્યો. 75 વર્ષ સુધી આ દેશમાં બે બંધારણ હતા તે દેશને જાણવા પણ દેવામાં આવ્યું ન હતું.