September 18, 2024

વિશ્વના ટોચના બોડી બિલ્ડરને આવ્યો હાર્ટ એટેક, માત્ર 36 વર્ષની વયે થયું અવસાન

લોકો તેમના સ્વાસ્થ્યને જાળવવા શું-શું નથી કરતા? આ દિવસોમાં જીમ અને પ્રોટીન જેવી વસ્તુઓ પણ ખૂબ જ લોકપ્રિય છે. ફિટ બોડીનો ક્રેઝ વધી રહ્યો છે, પરંતુ અકુદરતી વસ્તુઓનું સેવન પણ ખતરનાક બની શકે છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જે કોઈને પણ ચોંકાવી શકે છે. વિશ્વના સૌથી પ્રખ્યાત બોડી બિલ્ડર તરીકે જાણીતા ઇલ્યા યેફિમચિકનું હાર્ટ એટેકથી નિધન થયું છે. તે માત્ર 36 વર્ષનો હતો અને ખૂબ જ ફિટ બોડી ધરાવતો હતો. આ પછી પણ તેને હાર્ટ એટેક આવવો તે એક ચોંકાવનારી બાબત છે.

તેના મૃત્યુ પર દુનિયાભરના લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે અને કેટલાક લોકો જીમ, પ્રોટીન વગેરે પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે. ખાસ કરીને ફિટનેસને લઈને એવો ક્રેઝ ચર્ચાઈ રહ્યો છે કે ફિટ દેખાવા અને આંતરિક રીતે ફિટ રહેવામાં શું તફાવત છે. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, ઇલ્યા યેફિમચિકને 6ઠ્ઠી તારીખે હાર્ટ એટેક આવ્યો હતો અને તે કોમામાં ચાલ્યો ગયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ સઘન સારવાર આપ્યા બાદ પણ 11 સપ્ટેમ્બરે તેનું મૃત્યુ થયું હતું. ડેઈલી મેલના અહેવાલ મુજબ, ઈલ્યાને હાર્ટ એટેક આવ્યા બાદ પત્નીએ એમ્બ્યુલન્સ બોલાવી અને વાહન ન આવે ત્યાં સુધી તેને સીપીઆર આપવાનો પ્રયાસ કરતી રહી હતી.

આ પણ વાંચો: જેલમાંથી બહાર આવ્યા બાદ પણ આ કામ નહીં કરી શકે કેજરીવાલ, જાણો કોર્ટની શરતો

આ પછી પણ તેની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો. અંતે તેને હેલિકોપ્ટર મારફતે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. અન્નાએ બેલારુસમાં સ્થાનિક મીડિયાને કહ્યું કે તેણી તેના માટે પ્રાર્થના કરતી રહી, પરંતુ તેને બચાવી શકી નહીં. અન્નાએ કહ્યું, ‘હું તેના માટે સતત પ્રાર્થના કરતી હતી. છેલ્લા બે દિવસથી તેનું હૃદય ફરી ધડકવા લાગ્યું હતું, પરંતુ તેને બચાવી શકાયો નહોતો. તેનું કારણ એ હતું કે તે બ્રેઈન ડેડ થઈ ગયો હતો. અન્નાએ કહ્યું કે અમે વિશ્વભરના અમારા શુભચિંતકોની પ્રાર્થના અને સંવેદના માટે આભાર વ્યક્ત કરીએ છીએ.