December 22, 2024

રાહુલને 10 વર્ષથી સફળતા નથી મળી તો બ્રેક લેવો જોઈએ: પ્રશાંત કિશોર

અમદાવાદ: ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને કોંગ્રેસના નેતા અને પૂર્વ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને બ્રેક લેવાની સલાહ આપી છે. પીકે એ કહ્યું કે, જો આ વખતે પણ લોકસભા ચૂંટણીમાં સૌથી જુની પાર્ટીનું પ્રદર્શન નિરાશાજનક રહે છે તો રાહુલ ગાંધીએ થોડા સમય માટે બ્રેક લઈ લેવો જોઈએ. એક ઈન્ટરવ્યૂમાં પ્રશાંત કિશોરે કહ્યું કે, રાહુલ ગાંધી છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસની અસફળતાના કારણે હવે તેમણે બ્રેક લઈ લેવો જોઈએ. તેમણે કોઈ બીજાને 5 વર્ષ માટે કામ કરવાની તક આપવી જોઈએ.

ત્યારે જ કરી શકાય મદદ
પીકેએ કહ્યું કે, દુનિયાભરમાં સારા નેતાઓને એક ગુણ એ પણ છેકે તેઓ પોતાની ઉણપને સ્વિકારી લે છે. આ સાથે તેને સક્રિય રીતે દુર કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ રાહુલ ગાંધીને જોઈને એવુ લાગે છે કે તેમને બધુ ખબર છે. તેમ છતાં તેઓ કાંઈ નથી કરી રહ્યા. જો તમને નથી લાગતુ તમને કાંઈ મદદની જરૂર છે તો કોઈ પણ વ્યક્તિ તમને મદદ કરી શકે તેમ નથી.

રાહુલના નિવેદનનો ઉલ્લેખ કર્યો
2019ની ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાહુલના રાજીનામાનો ઉલ્લેખ કરતા પીકેએ કહ્યું કે, ‘રાહુલ ગાંધીએ ત્યારે કહ્યું હતું કે તેઓ પીછેહઠ કરશે અને બીજા કોઈને ચાર્જ સંભાળવા દેશે. જોકે, વ્યવહારમાં તેણે પોતાની વાતથી વિપરીત કામ કર્યું છે.

આ પણ વાંચો: ફ્રીઝ અને ટીવીના બીલ કાઢી EDએ જમીન કૌભાંડના તાર જોડ્યાં

પક્ષમાં રહીને નિર્ણયો લઈ શકાતા નથી
રાહુલ ગાંધીથી અસંમતિની જરૂરિયાત પર, પીકેએ કહ્યું, ‘ઘણા નેતાઓ વ્યક્તિગત રીતે સ્વીકારે છે કે તેઓ ‘xyz’ની મંજૂરી વિના પાર્ટીમાં કોઈ નિર્ણય લઈ શકતા નથી. કોંગ્રેસ અને તેના સમર્થકો કોઈપણ વ્યક્તિથી ઉપર છે. રાહુલ ગાંધીએ આગ્રહ ન રાખવો જોઈએ કે વારંવારની નિષ્ફળતા છતાં તેમણે પાર્ટી માટે એકલા હાથે કામ કરવું પડશે.

કોંગ્રેસની હારના દોષ પર પીકે શું કહ્યું?
પ્રશાંત કિશોરને રાહુલ ગાંધીના દાવા પર સવાલ પૂછવામાં આવ્યો હતો કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ચૂંટણીની નિષ્ફળતા માટે ચૂંટણી પંચ, ન્યાયતંત્ર અને મીડિયા પર દોષારોપણ કરે છે. તેના પર પીકેએ કહ્યું કે આમાં આંશિક રીતે થોડું સત્ય હોઈ શકે છે, પરંતુ તે સંપૂર્ણ ચિત્ર રજૂ કરતું નથી. 2014ની ચૂંટણીમાં સત્તામાં હોવા છતાં કોંગ્રેસ 206 બેઠકોથી ઘટીને 44 પર આવી ગઈ. તે સમયે સંસ્થાઓ પર ભાજપનો મર્યાદિત પ્રભાવ હતો.

પ્રશાંત કિશોર જન સૂરજ યાત્રા કાઢી રહ્યા છે
તમને જણાવી દઈએ કે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર I-PAC નામની ચૂંટણી રણનીતિ બનાવતી કંપની ચલાવતા હતા. જોકે, તેનો દાવો છે કે તેણે હવે આ કંપનીથી પોતાને અલગ કરી લીધા છે. આ દિવસોમાં તેઓ બિહારમાં જન સૂરજ યાત્રા કાઢી રહ્યા છે.