November 26, 2024

Champions Trophy પહેલા જય શાહ ICCના અધ્યક્ષ બને તો પાકિસ્તાનના પેટમાં તેલ રેડાશે

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના વર્તમાન અધ્યક્ષ ગ્રેગ બાર્કલેએ મંગળવારે 30 નવેમ્બરના રોજ તેમનો કાર્યકાળ પૂરો થયા બાદ ત્રીજી મુદતની રેસમાંથી પોતાની જાતને પાછી ખેંચી લીધી છે. જે બાદ રમતની ગ્લોબલ ગવર્નિંગ બોડીમાં BCCI સેક્રેટરી જય શાહના ભવિષ્યને લઈને અટકળો તેજ થઈ ગઈ છે.

શાહ આ પદ માટે પોતાનો દાવો રજૂ કરશે કે નહીં તે 27 ઓગસ્ટ સુધીમાં સ્પષ્ટ થઈ જશે, જે અધ્યક્ષ પદ માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ છે. ICC ચેરમેન દરેક બે વર્ષની ત્રણ મુદત માટે પાત્ર છે અને ન્યૂઝીલેન્ડના વકીલ બાર્કલેએ અત્યાર સુધીમાં ચાર વર્ષ પૂર્ણ કર્યા છે.

આઈસીસીએ મંગળવારે વર્ચ્યુઅલ રીતે યોજાયેલી બોર્ડ મીટિંગ બાદ એક મીડિયા રિલીઝમાં કહ્યું- ICCના અધ્યક્ષ ગ્રેગ બાર્કલેએ બોર્ડને પુષ્ટિ આપી છે કે તેઓ ત્રીજા કાર્યકાળ માટે ઊભા રહેશે નહીં અને નવેમ્બરના અંતમાં તેમનો વર્તમાન કાર્યકાળ પૂરો થશે ત્યારે તેઓ પદ છોડી દેશે. બાર્કલેને નવેમ્બર 2020 માં ICCના સ્વતંત્ર અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ 2022 માં આ પદ માટે ફરીથી ચૂંટાયા હતા.

આ પણ વાંચો: ICCના નવા અધ્યક્ષ બની શકે છે જય શાહ!

ICCના નિયમો અનુસાર, અધ્યક્ષની ચૂંટણીમાં 16 મત હોય છે અને હવે વિજેતા માટે 9 મતોની સાદી બહુમતી (51%) જરૂરી છે. અગાઉ, અધ્યક્ષ બનવા માટે, પદધારક પાસે બે તૃતીયાંશ બહુમતી હોવી જરૂરી હતી. ICCએ કહ્યું- હાલના ડિરેક્ટરોએ હવે આગામી ચેરમેન માટે 27 ઓગસ્ટ, 2024 સુધીમાં નોમિનેશન સબમિટ કરવાનું રહેશે અને જો એક કરતાં વધુ ઉમેદવારો હશે તો ચૂંટણી યોજાશે અને નવા ચેરમેનની મુદત 1 ડિસેમ્બર, 2024થી શરૂ થશે.

આ પણ વાંચો: બેટિંગમાં જસપ્રિત બુમરાહનો ‘શાનદાર રેકોર્ડ’, દિગ્ગજ બેટ્સમેન પણ નથી કરી શક્યા આવું

જો ડિસેમ્બરમાં જય શાહ ICCના અધ્યક્ષ બનશે તો ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન નહીં જાય તે નિશ્ચિત છે. જય શાહ હાઇબ્રિડ મોડલ હેઠળ ચેમ્પિયન્સ ટ્રોફી યોજવાનું નક્કી કરી શકે છે. જેમ કે ગયા વર્ષે એશિયા કપ માટે કરવામાં આવ્યું હતું, તેથી ડિસેમ્બર મહિનો પાકિસ્તાન માટે કયામતનો મહિનો બની શકે છે, કારણ કે પાકિસ્તાન દરેક જગ્યાએ ઢીંઢોરો પીટી રહ્યું છે કે તે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતને પાકિસ્તાનમાં લાવીને રહેશે અને ભારતને હરાવી દેશે.

સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરાયેલા BCCIના બંધારણ મુજબ, કોઈ પદાધિકારી 3 વર્ષના કુલિંગ ઑફ પીરિયડ પહેલા 6 વર્ષ સુધી આ પદ પર રહી શકે છે. એકંદરે એક વ્યક્તિ કુલ 18 વર્ષ સુધી આ પદ સંભાળી શકે છે – રાજ્ય એસોસિએશનમાં 9 વર્ષ અને BCCIમાં 9 વર્ષ. જો શાહ તેમના સેક્રેટરી પદમાં એક વર્ષ બાકી રાખીને આઈસીસીમાં જવાનું નક્કી કરે છે તો તેમની પાસે BCCIમાં ચાર વર્ષ બાકી રહેશે. 35 વર્ષની ઉંમરે તે ICC ઇતિહાસમાં સૌથી યુવા અધ્યક્ષ બની શકે છે. તમને જણાવી દઈએ કે તેમના પહેલા જગમોહન દાલમિયા, શરદ પવાર, એન શ્રીનિવાસન અને શશાંક મનોહર એવા ભારતીય છે જેમણે ભૂતકાળમાં ICCનું નેતૃત્વ કર્યું છે.