December 22, 2024

‘ઇઝરાયલને પૂરી તાકાતથી જવાબ આપીશું’, વિવાદ વચ્ચે ઇરાને આપી ચેતવણી

તેહરાન: ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ઈરાનના વિદેશ પ્રધાન હોસૈન અમીરાબ્દોલ્લાહિયાને શુક્રવારે કહ્યું હતું કે જો ઈઝરાયેલ તેના હિતોની વિરુદ્ધ કામ કરશે તો ઈરાન તરત જ અને “સંપૂર્ણ શક્તિ” સાથે જવાબ આપશે. એક અહેવાલ જણાવ્યું હતું કે, “જો ઇઝરાયલ ઇરાનના હિતોની વિરુદ્ધ કાર્ય કરવા માંગે છે. તો અમારો આગામી પ્રતિસાદ તાત્કાલિક અને પૂરી તાકાત સાથે જવાબ આપશે” તમને જણાવી દઈએ કે તેમની આ ટિપ્પણી શુક્રવારે વહેલી સવારે ઈરાન પર ઈઝરાયેલના હુમલાના અહેવાલો બાદ આવી છે.

અહીં, મુંબઈમાં નિયુક્ત ઈરાનના કોન્સ્યુલ જનરલે શુક્રવારે કહ્યું કે તેમના દેશને હુમલાના કિસ્સામાં પોતાનો બચાવ કરવાનો કાયદેસર અધિકાર છે. તેમણે આ કોમેન્ટ ઈરાનના એક કમાન્ડરના એક દિવસ પહેલા આપેલા નિવેદન બાદ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે તેહરાન ઈઝરાયેલની પરમાણુ સુવિધાઓને નિશાન બનાવવા માટે તૈયાર છે. ઈરાની કમાન્ડરનું આ નિવેદન બંને દેશો વચ્ચેના વર્તમાન સંઘર્ષની પૃષ્ઠભૂમિમાં આવ્યું છે. મુંબઈમાં ઈરાનના કોન્સ્યુલ જનરલ રિઝાઈ અસ્કંદરીએ કહ્યું, “અમે માનીએ છીએ કે જો અમારી ધરતી પર, અમારી પરમાણુ સાઇટ પર, ક્યાંય પણ હુમલો થાય છે. તો અમને પોતાનો બચાવ કરવાનો કાયદેસરનો અધિકાર છે.”

ઈઝરાયેલે ઈરાન પર હુમલો કર્યો
ઇઝરાયેલે ઇરાનના ઇસ્ફહાન શહેરમાં હુમલો કર્યો છે. જે પછી ઇરાને તેની એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી છે અને ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે. ત્યારથી મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો છે. આ હુમલાને ઈરાન દ્વારા મિસાઈલ અને ડ્રોનથી ઈઝરાયેલ પરના હુમલાનો જવાબ માનવામાં આવી રહ્યો છે. ઈરાની ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર ઈરાની એર ડિફેન્સ આકાશમાં સક્રિય થઈ ગઈ છે. ઈસ્ફહાનથી પૂર્વમાં અને ઈસ્ફહાન ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક ત્રણ વિસ્ફોટ થયા હતા. ઇઝરાયલી મીડિયાએ જણાવ્યું કે મિસાઇલ હુમલો ઇસ્ફહાન શહેરને નિશાન બનાવીને કરવામાં આવ્યો છે. શુક્રવારે સવારે તેલ અવીવમાં કિર્યા લશ્કરી મુખ્યાલયમાં ઘણા વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. જો કે ઈરાને કહ્યું કે મિસાઈલ હુમલો થયો નથી પરંતુ માત્ર ડ્રોન હુમલો થયો છે.

ઈરાનના રાજ્ય મીડિયાએ શુક્રવારે અહેવાલ આપ્યો હતો કે મધ્ય પ્રાંત ઇસ્ફહાન પર આકાશમાં ઘણી નાની ઉડતી વસ્તુઓને નીચે ઉતારવામાં આવી હતી. ઈરાની મીડિયાએ અહેવાલ આપ્યો છે કે તેહરાન, ઈસ્ફહાન અને શિરાઝની ફ્લાઈટ્સ સ્થગિત કરી દેવામાં આવી છે.