ICCએ પાકિસ્તાનને આપ્યો મોટો ઝટકો, PoKમાં નહીં જાય ચેમ્પિયન્સ ટ્રોફી

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને વાતાવરણ સંપૂર્ણપણે ગરમ થઈ ગયું છે. ભારતે આ ટુર્નામેન્ટ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. બીસીસીઆઈએ આઈસીસીને જાણ કરી હતી કે તે ચેમ્પિયન્સ ટ્રોફી માટે કોઈપણ કિંમતે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. ત્યારથી પાકિસ્તાન ICC પાસે આ પાછળનું કારણ માંગી રહ્યું છે. જ્યારે બીસીસીઆઈ પહેલાથી જ સુરક્ષા કારણોને ટાંકી ચૂક્યું છે. આ દરમિયાન પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું આયોજન કર્યું હતું. જોકે પીઓકેના ત્રણ શહેરોમાં લઇ જવાની વાત થઈ હતી, પરંતુ હવે આઈસીસીએ તેમને સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે કે ચેમ્પિયન્સ ટ્રોફી કોઈપણ વિવાદિત સ્થળે નહીં જાય.

BCCI એ વાંધો વ્યક્ત કર્યો હતો
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા 14 નવેમ્બરની સાંજે જાહેરાત કરવામાં આવી હતી કે ચેમ્પિયન્સ ટ્રોફી 14 નવેમ્બરે ઈસ્લામાબાદ પહોંચશે. આ પછી, ટ્રોફીને 16મી નવેમ્બરથી 24મી નવેમ્બર સુધી સમગ્ર પાકિસ્તાનમાં લઈ જવામાં આવશે. પીસીબીએ તેના સોશિયલ મીડિયા પર આ મામલાની માહિતી આપી હતી. જ્યાં તેણે કહ્યું છે કે ટ્રોફી સ્કર્દુ, મુરી, હુંઝા અને મુઝફ્ફરાબાદ જેવા સ્થળોએ જશે. આ ચાર સ્થળોમાંથી માત્ર મુરી પાકિસ્તાનનો ભાગ છે. આ સિવાય ત્રણ અન્ય સ્થળો સ્કર્દુ, હુન્ઝા અને મુઝફ્ફરાબાદ PoKમાં આવે છે.