July 2, 2024

ICC એ 2023 ની બેસ્ટ ટેસ્ટ ટીમની કરી જાહેરાત, ભારતના આ 2 ખેલાડીઓને મળી જગ્યા

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ વર્ષ 2023ની બેસ્ટ ટેસ્ટ ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં ભારતના બે ખેલાડીઓને સ્થાન મળ્યું છે. ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સને ICC દ્વારા 2023ની સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. T20ની જેમ પાકિસ્તાનના કોઈ ખેલાડીને ટેસ્ટ ટીમમાં પણ સ્થાન મળ્યું નથી.

ICCની વર્ષ 2023ની સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ટીમમાં ઓસ્ટ્રેલિયાના પાંચ, ભારતના બે, ઈંગ્લેન્ડના બે, શ્રીલંકાનો એક અને ન્યુઝીલેન્ડના એક ખેલાડીનો સમાવેશ થાય છે. ICCએ 2023ની સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ટીમમાં ભારતના રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનનો સમાવેશ કર્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના ઓપનર ઉસ્માન ખ્વાજા, મિડલ ઓર્ડર બેટ્સમેન ટ્રેવિસ હેડ, વિકેટકીપર એલેક્સ કેરી, ઝડપી બોલર પેટ કમિન્સ અને મિચેલ સ્ટાર્કને સ્થાન મળ્યું છે.

તમને જણાવી દઈએ કે 11 વર્ષ બાદ આવી તક આવી છે જ્યારે ઓસ્ટ્રેલિયાના એક ખેલાડીને ટેસ્ટ ટીમ ઓફ ધ યરનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. અગાઉ 2012માં માઈકલ ક્લાર્કે આ સિદ્ધિ મેળવી હતી. આઈસીસીની ટીમમાં કાંગારૂ ટીમનું વર્ચસ્વ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. શ્રીલંકાના દિમુથ કરુણારત્ને, ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન, ઈંગ્લેન્ડના જો રૂટ અને સ્ટુઅર્ટ બ્રોડને પણ વર્ષ 2023ની સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જોકે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતનાર ઓસ્ટ્રેલિયન ટીમના પાંચ સભ્યો આ ટીમમાં સામેલ છે.

તમને જણાવી દઈએ કે દર વર્ષે ICC ત્રણેય ફોર્મેટની બેસ્ટ પુરુષ અને મહિલા ટીમોની પસંદગી કરે છે. દુનિયાભરના 11 ખેલાડીઓ જે સારું પ્રદર્શન કરે છે તેમને આ ટીમોમાં સ્થાન મળે છે. ICCએ 2023ની સર્વશ્રેષ્ઠ T20, બેસ્ટ ODI અને સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ટીમની જાહેરાત કરી છે.

ICC ની 2023ની બેસ્ટ ટેસ્ટ ટીમ – ઉસ્માન ખ્વાજા, દિમુથ કરુણારત્ને, કેન વિલિયમસન, જો રૂટ, ટ્રેવિસ હેડ, રવિન્દ્ર જાડેજા, એલેક્સ કેરી (વિકેટકીપર), પેટ કમિન્સ (કેપ્ટન), આર અશ્વિન, મિચેલ સ્ટાર્ક અને સ્ટુઅર્ટ બ્રોડ.

ICC ODI ટીમ ઓફ ધ યર 2023- રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ટ્રેવિસ હેડ, વિરાટ કોહલી, ડેરીલ મિશેલ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), માર્કો યુનસેન, એડમ ઝમ્પા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમી.

વર્ષ 2023ની શ્રેષ્ઠ ટી20 ટીમ- યશસ્વી જયસ્વાલ, ફિલ સોલ્ટ, નિકોલસ પૂરન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), માર્ક ચેપમેન, સિકંદર રઝા, અલ્પેશ રામજાની, માર્ક અદાયર, રવિ બિશ્નોઈ, રિચર્ડ નાગરવા અને અર્શદીપ સિંહ.