કેવી રીતે ભણશે ગુજરાત? જ્યારે રાજ્યની શાળાઓમાં ગ્રંથપાલ જ નથી!
અમદાવાદ: આશુતોષ ઉપાધ્યાય
અમદાવાદ: વાંચે ગુજરાત… સૌ ભણે સૌ આગળ વધેના નારા સાથે સરકાર આગળ વધી રહી છે.પરંતુ વરવી વાસ્તવિકતા એ પણ છે કે રાજ્યની શાળાઓમાં ગ્રંથપાલ જ નથી. રાજ્યની 3500થી વધુ શાળાઓમાં ગ્રંથપાલની જગ્યા ખાલી હોવાનો આક્ષેપ શાળા સંચાલક મંડળે કર્યો છે.
નોંધનીય છે કે, એક તરફ રાજ્ય સરકારે રાજ્યની શાળાઓમાં શિક્ષકો ન હોવાનો સ્વીકાર ગુજરાત વિધાનસભામા કર્યો છે. ત્યારે રાજ્યની શાળાઓમાં ગ્રંથપાલોની પણ મોટાપાયે અછત હોવાનુ સામે આવ્યુ છે. રાજ્યની અંદાજીત 3500 જેટલી ગ્રાન્ટેડ શાળાઓમાં ગ્રંથપાલ નથી અને છેલ્લા 15 વર્ષથી ગ્રંથપાલની ભરતી કરવામા ન આવી હોવાનું આક્ષેપ શાળા સંચાલક મહામંડળ દ્વારા કરવામા આવ્યો છે..
રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે ન્યુઝ કેપીટલને જણાવ્યુ હતુ કે ગ્રંથપાલ વગર ગ્રંથાલય આત્મા વગરના શરીર જેવુ છે અને જેમ વિષય ભણવા માટે વિષય શિક્ષક અનિવાર્ય છે તેમ વિષયમાં વધુ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગ્રંથપાલ હોવો જરૂરી છે.
શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમા સપ્તાહના 6 તાસ સ્વ અધ્યયન માટે ફાળવવામા આવ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓ શાળાના ગ્રંથાલયમા જઇને ગ્રંથપાલ પાસેથી પુસ્તકો મેળવીને તેમને શિક્ષકો દ્વારા આપાવમા આવતા એસાઇનમેન્ટ માટે જરૂરૂ માર્ગદર્શન મેળવીને તેને લખી શકે. પરંતુ શાળાઓમાં ગ્રંથપાલ ન હોવાથી વિદ્યાર્થીઓ ગ્રંથાલયમાં જવાનું ટાળી રહ્યા છે.
આ સમગ્ર મામલે શાળાના આચાર્યનુ વિષ્ણુ પટેલનુ કહેવુ છે કે સરકાર દ્વારા બિન શૈક્ષણીક કાર્ય માટે સમિતીની રચના જ કરવામા નથી આવી જેને કારણે ભરતી થઇ શકતી નથી. ગ્રંથપાલ તો દુરની વાત છે પરંતુ શાળાઓમાં ક્લાર્ક અને પ્યુનની પણ ભરતી થઇ નથી. ઉલ્લેખનીય છે કે રાજ્યસરકારના શિક્ષણ વિભાગ દ્વારા 55 હજાર કરોડના બજેટ માટે 49 હજાર કરોડ રૂપિયા રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાના વિકાસ અને ઉત્થાન માટે ફાળવ્યા છે ત્યારે સત્વરે ભરતી કરવા માગ કરાઇ છે