HNG યુનિવર્સિટી LLB સેમ-4ના પ્રશ્નપત્રમાં છબરડો, 2024નું બેઠેબેઠું પેપર પૂછ્યું

ભાવેશ ભોજક, પાટણ: પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા વર્ષ 2025માં લેવામાં આવી રહેલી એલએલબી સેમેસ્ટર 4ની પરીક્ષામાં ન્યાયશાસ્ત્રનું પેપર ગત વર્ષ 2024નું કોઈપણ જાતના ફેરફાર વગર વિદ્યાર્થીઓને કેટલીક કોલેજોમાં અપાયું હોવાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કરી પેપરો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. જેને લઈને યુનિવર્સિટીના સત્તાધીશો દોડતા થયા છે.
યુનિવર્સિટીના પરીક્ષાની નિયામક મિતુલ દેલીયાએ જણાવ્યું હતું કે, LLBની પરીક્ષા 7 એપ્રિલથી શરૂ થઈ છે. ત્યારે પ્રથમ પેપરમાં જ વર્ષ 2024નું પ્રશ્નપત્ર અપાયું હોવાની યુનિવર્સિટીને જાણ થઈ છે. તેથી આ બાબતે યુનિવર્સિટીએ તાત્કાલિક ધોરણે 5 સભ્યોની કમિટી બનાવી છે અને જે એજન્સીને પેપર અપલોડ કરવા માટે આપેલું છે તે એજન્સીએ વર્ષ 2024નું પ્રશ્નપત્ર અપલોડ કર્યું છે માટે એજન્સીનો પણ ખુલાશો પૂછ્યો છે.
યુનિવર્સિટી દ્વારા વર્ષ 2025નું જ પ્રશ્નપત્ર તૈયાર કર્યું હતું અને અપલોડ રાજકોટની એજન્સી દ્વારા કરવામાં આવે છે પરંતુ કોઈ ટેકનીકલ ખામીને કારણે પાટણની MN લો કોલેજ અને ઊંઝાની લો કોલેજમાં વર્ષ 2024નું પ્રશ્નપત્ર અપાયું હોવાનું તપાસમાં સામે આવી છે. અન્ય કોલેજોમાં પણ ટેલીફોનિક સંપર્ક કરી પેપર વિશે પૂછપરછ કરવામાં આવી રહી છે. આ બાબતે જે જવાબદારો હશે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.